અમદાવાદ: શહેરમાં સોમવારે સવારથી જુદા-જુદા વિસ્તારોમાં વીજળીના કડાકા અને પવન સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. દિવસ દરમિયાન શહેરમાં સરેરાશ સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદ પર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવા સાથે શહેરના પૂર્વ પટ્ટામાં બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. નરોડા વિસ્તારમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે કુબેરનગર મેઈન બજાર, સૈજપુર, સિંધી બજાર, વગેરે વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. લોકોના મકાનો અને દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. આ ઉપરાંત મણિનગરમાં બે, કોતરપુર, મેમ્કો, વટવા, નિકોલ, અને ઓઢવમાં પોણા બે તથા રામોલમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. સાંજના સમયે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક સ્થળે પાણી ભરાવાને કારણે નોકરી- ધંધેથી ઘેર પરત ફરનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. તેમજ ઠેર-ઠેર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા.શહેરના પૂર્વ પટ્ટાની સરખામણીએ પશ્ચિમ વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાયો હતો. ચાંદખેડા, ઉસ્માનપુરા, રાણીપ, વાસણા બેરેજ, ચાંદલોડિયા, મક્તમપુરા, વગેરે વિસ્તારોમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વાસણા બેરેજમાં 131.25 ફુટનું લેવલ નોંધાયું છે અને વાસણા બેરેજના 4 દરવાજા બેથી ત્રણ ફુટ જેટલા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.