મનોદિવ્યાંગ કારીગરોએ તૈયાર કરી દીપોત્સવી સુશોભનની ઉત્કૃષ્ટ સામગ્રી

અમદાવાદ: દિવાળીના તહેવારને ઉત્સવની જેમ ઉજવવા બજારમાં અવનવા આધુનિક ઉપકરણો બજારમાં આવી ગયા છે. અંધકારમાં ઉજાસ માટે દીપોત્સવીના તમામ દિવસોમાં લોકો ઘર અને આંગણાને સજાવે છે. પરંતુ દર દિવાળીએ ઘણાં લોકો સંકલ્પ લેતા હોય છે કે આ વર્ષે ઉત્સવની ઉજવણી માટેની અમુક ચોક્કસ જગ્યાએથી જ ખરીદી કરશું. જરૂરિયાત મંદ લોકો દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓ કે આસપાસના દિવ્યાંગ લોકો દ્વારા બનાવેલી ઉત્સવ માટેની વસ્તુઓ ખરીદી એમના ઉત્સાહ ઉમંગમાં વધારો કરવો. શહેરમાં પાલડી વિસ્તારમાં આવેલા ઉત્થાન તાલીમ કેન્દ્રના મનોદિવ્યાંગ કારીગરોએ બનાવેલી ચીજવસ્તુઓના વેચાણ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ સંસ્થાના પ્રમુખ ભાવનાબહેન પંડ્યા ચિત્રલેખા.કોમને કહે છે અમારા ઉત્થાન તાલીમ કેન્દ્રના છોકરાઓ તેમજ ઉમંગ સંસ્થાની બહેનોએ આ વર્ષે ઉત્સવની ઉજવણી માટે તેમજ સુશોભન માટેની વિવિધ ચીજવસ્તુઓ તૈયાર કરી છે. જેમાં માટી, કાચ, જેલી, ઝુમ્મર અને જાદુઇ પ્રકારના દીવા તૈયાર કરવામાં આવ્યા છે.

મધુબની પેઇન્ટિંગ, પટોળા, ક્લોથ, ગિફ્ટ માટેની એમ અનેક પ્રકારની બેગો તૈયાર કરવામાં આવી છે. દિવાળીમાં ઘર સુશોભન માટે મીરર પૂજા થાળી, ભાત ભાતની રંગોળી, તોરણ, ટોડલાં, હેંગિંગ, 3 ડી રંગોળી, સજાવેલી લાઇટો, પેઇન્ટિંગ કરેલા ટેબલ મેટ, ગોટા, કાપડ, ફૂલોનાં તોરણ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે સિલાઇ કામ ભરત કામ સાથેની ચીજ વસ્તુઓ અને વિવિધ કવર, ફાઇલ્સ, કાર્ડ, પડિયા, ડીશ પણ તૈયાર કરી મુકવામાં આવ્યા છે. ઉત્થાન તાલીમ કેન્દ્રના છોકરાઓ અને ઉંમંગ સાથે જોડેયેલી છોકરીઓને સંસ્થા ભણતર સાથે એક ઉત્કૃષ્ટ કલા કારીગરી શીખવી પગભર કરવા પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે દિવાળીના ઉત્સવમાં સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોનો ઉત્સાહ વધારવા માટે મેયર પ્રતિભા જૈન, ડો. નિતિન સુમન શાહ, ભાવિન અગ્રવાલ, રાજેન્દ્ર શાહ, જયશ્રીબહેન મહેતા, આભાબહેન છાબરા, દર્શનાબહેન પંડ્યા તેમજ ચેરમેન નીતાબહેન નાણાવટી ઉપસ્થિત રહ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ- અમદાવાદ)