રાજ્યમાં પરિવર્તનનો પવનઃ આદિવાસી મતબેન્ક પર કેજરીવાલની નજર

પંચમહાલઃ ‘આપ’ના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ રાજ્યના ત્રિદિવસીય પ્રવાસે છે. તેમણે તેમના પ્રવાસનો પ્રારંભ પંચમહાલમાં સભા સંબોધવાથી થયો હતો. તેમણે તેમના ભાષણનો પ્રારંભ ગુજરાતીમાં કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે રાજ્યમાં પરિવર્તનની હવા ચાલી રહી છે અને ભાજપ ગભરાટમાં છે.

રાજ્યમાં દરેક પક્ષ વિવિધ વર્ગને આકર્ષવાના દાવપેચ રમી રહ્યો છે, જેમાં આદિવાસી સમાજ મુખ્ય છે. 15 ટકા વસતિવાળા આદિવાસી સમાજના મતો રાજકારણમાં ખૂબ મહત્ત્વના છે. આ સમાજ અનેક સીટો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાજ્યમાં 182 બેઠકોમાં 27 બેઠકો પર સારોએવો પ્રભાવ છે.રાજ્યમાં 15 ટકા વસતિવાળા સમાજ અનેક જાતિઓમાં વહેંચાયેલો છે. આ આદિવાસી સમાજનો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આદિવાસી સમાજ ફેલાયેલો છે.

કેજરીવાલે આદિવાસી સમાજને આકર્ષવા માટે પેસા એક્ટ (પંચાયત એક્સટેન્શન ટુ ધ શેડ્યુઅલ એરિયાઝ) પર ચૂંટણી દાવ ખેલ્યો છે. આ કાયદો 1996માં લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ અનુસૂચિત ક્ષેત્રો અથવા આદિવાસી ક્ષેત્રોમાં રહેતા લોકો માટે ગ્રામ સભા દ્વારા સ્વશાસનને પ્રોત્સાહન આપવાનું છે. આ કાયદો આદિવાસી સમાજને સ્વશાસન આધારિત શાસનનો અધિકાર પ્રદાન કરે છે.

કેજરીવાલે છોટા ઉદેપુરમાં આદિવાસીઓ માટે છ સૂત્રીય ગેરન્ટીની સાથે પેસા એક્ટને સખતાઈથી લાગુ કરવાની ઘોષણા કરી હતી. તેમણે એ પણ વચન આપ્યું હતું કે આદિવાસી સલાહકાર સમિતિનું નેતૃત્વ મુખ્ય પ્રધાન નહીં આદિવાસી સમાજની કોઈ વ્યક્તિ કરશે.