સીડીએસએલ ઈજીઆર ટ્રાન્ઝેક્શનમાં સામેલ થનારી પ્રથમ ડિપોઝિટરી

મુંબઈ તા. 28 ઓક્ટોબર: એશિયાની પ્રથમ અને લિસ્ટેડ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)એ જાહેર કર્યું છે કે તેણે બીએસઈ લિમિટેડના પ્લેટફોર્મ પર ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ્સ (ઈજીઆર્સ)ના પ્રથમ સેટલમેન્ટને સફળતાપૂર્વક પાર પાડ્યું છે.

 

24 ઓક્ટોબર, 2022ના રોજ યોજાયેલા મુહૂર્ત ટ્રેડિંગ સત્રમાં 995 અને 999 શુદ્ધતાની ચાર નવી ઈજીઆર લોન્ચ કરવામાં આવી હતી, જેમાં કામકાજ થયું હતું. આ ટ્રેડિંગ એક ગ્રામ અને 10 ગ્રામના ગુણાંકોમાં થાય છે.

સીડીએસએલના મેનેજિંગ  ડિરેક્ટર અને સીઈઓ નેહલ વોરાએ કહ્યું હતું કે દેશમાં દિવાળીના દિવસે સૌપ્રથમ ઈજીઆર ટ્રાન્ઝેક્શનના પ્રથમ સેટલમેન્ટનો હિસ્સો બનવાની અમને મળેલી તક અમારા માટે ઘણા ગર્વની બાબત છે. સીડીએસએલ ખાતે અમે રોકાણકારો, સંસ્થાઓ અને હવે જ્વેલર્સને સોનામાં રોકાણ કરવા માટે સુવિધાપૂર્ણ, ભરોસાપાત્ર અને સલામત ડિજિટલ સર્વિસીસ પૂરી પાડવા પ્રતિબદ્ધ છીએ. અમને આશા છે કે સોનાની સ્પોટ માર્કેટના વિકાસની આ નવી શરૂઆત છે અને દેશની નાણાકીય બજારના વિકાસમાં અમે મહત્ત્વની ભૂમિકા ભજવીશું.