અમદાવાદઃ રાજ્યમાં વાવાઝોડા બિપરજોયે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યમાં આ વાવાઝોડાને પગલે બે લોકોનાં મોત થયાં અને 23 લોકો ઘાયલ થયા છે તેમ જ 24 પશુઓનાં પણ મોત થયાં છે. આ વાવાઝોડાને પગલે રાજ્યનાં અનેક સ્થળોએ ભારે વરસાદ વરસ્યો હતો અને સામાન્ય જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હવે આ વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે.
રાજ્યમાં બિપરજોય લેન્ડફોલ થયા પછી એની અસર કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત આશરે આઠ જિલ્લાઓમાં થઈ હતી. બિપરજોયને લીધે વ્યાપક નુકસાન અહેવાલો છે. આ વાવાઝોડાને લીધે રાજ્યમાં ત્રણ હાઇવે બંધ કરવામાં આવ્યા છે અને 4600 ગામ તોફાનથી અસરગ્રસ્ત થયા છે. હજી પણ વીજ સપ્લાય કરવાને મામલે 1000 ગામ બચ્યા છે. આ ચક્રવાતની અસર 5120 વીજ થાંભલાઓ પર જોવા મળી હતી અને 582 ઝાડ ઊખડી ગયાં હતાં.
સરકારે બહાર પાડેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એકથી આઠ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 115 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં જૂનાગઢના વિસાવદરમાં બે ઇંચ, કેશોદમાં પોણા બે ઇચ, ધ્રોલમાં દોઢ ઇંચ, ભૂજમાં અને અમરેલીના લિલિયામાં દોઢ ઈંચ, વરસાદ અને કચ્છના અંજારમાં સવા ઈંચ વરસાદ વરસ્યો પડ્યો છે.
IMDના ડિરેક્ટર ડો. મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું હતું કે આ વાવાઝોડાને પગલે દક્ષિણ અને દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના છે. બાડમેર અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ તેજ પવન ફૂંકાવાની અને વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આજે પણ ઉત્તર ગુજરાતમાં 45-55 કિમીથી માંડીને 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આશંકા છે.વિભાગે દ્વારા આ વાવાઝોડાને પગલે રાજ્યમાં તો બે દિવસ અને રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
