અહીં ગરુડમાં બેસી ગરબે રમવા ઉતરે છે બાળાઓ

સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના મોટા શહેરોમાં અર્વાચીન રાસોત્સવની સાથે પ્રાચીન ગરબીનું પણ ભારે આકર્ષણ છે. રાજકોટમાં રામનાથપરા ચોકમાં રાજાશાહીના સમયથી પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે.

આ ગરબી મંડળનું વિશેષ આકર્ષણ એ છે કે બાળાઓને ચોકમાં આકાશમાંથી જેમ માતાજી ઉતરતા હોય તેવા ભાવ સાથે ગરુડની મદદથી ચોકમાં લાવવામાં આવે છે. આ દ્રશ્ય જોવા લોકો કલાકો અગાઉથી ઊભા રહી જાય છે.

 

રાજકોટની આ ગરુડની ગરબી ખૂબ પ્રસિદ્ધ છે લોકો દૂર દૂરથી જોવા આવે છે. સૌરાષ્ટ્રમાં ગરબે રમતી બાળાઓને આ રીતે ચાચર ચોકમાં ઉતારવામાં આવતી હોય તેવી આ પહેલી ગરબી છે. જય અંબે ગરબી મંડળ દ્વારા રાજકોટના રાજવી પેલેસની નજીક આ ગરબી યોજાય છે. આયોજકોએ જણાવ્યું હતું કે “ લગભગ ૧૦૦ વર્ષ કરતાં વધુ સમયથી આ ગરબી થાય છે વર્ષો પહેલા ગરબી ચોકમાં દોરડાઓની મદદથી બાળાઓને ઉતારવામાં આવતી હતી પછી લાકડાની મદદથી સાત – આઠ ફૂટનું ગરુડ પક્ષીની પ્રતિકૃતી બનાવવામાં આવે છે અને તેને લોખંડના તારની મદદથી નીચે લાવવામાં આવે છે.

જય અંબે ગરબી મંડળ દ્વારા આ આયોજન થાય છે. આયોજક ટીમના વરિષ્ઠ સભ્ય સહદેવભાઈ ડોડીયાએ ચિત્રલેખા. કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “ ચોક નજીક અંબે માતાજીનું મંદિર છે તેના ઉપરથી ગરુડ નીચે ઉતરે છે ભાવિકો આકાશમાંથી માતાજી ગરબે રમવા આવ્યા તેવું અનુભવી એક અલૌકિક અનુભવ કરે છે. પહેલા રાસમાં બાળાઓ ને ક્રમશ નીચે ઉતારવામાં આવે છે. એક વખતમાં બે – ત્રણ બાળાઓ આવે છે. ગરબે રમતી બાળાઓ જ નહીં ગરબી જોવા આવતા બાળકોને પણ ગરુડમાં બેસી ઉડવાનો અનુભવ કરવી તેમને ખુશ કરવામાં આવે છે.

રાજકોટની આ ગરબીમાં ગરુડનું લોકોમાં અનેરું આકર્ષણ જોવા મળે છે. નવરાત્રિમાં કલાકો પહેલા લોકો આ ચોકમાં ગરુડમાંથી ઊતરતી બાળાઓ જોવા માટે ભીડ જમાવે છે. આ ગરબી મંડળનો ભુવા રાસ , રાંદલમાંનો રાસ, બેડા રાસ પણ શહેરીજનોમાં ખૂબ લોકપ્રિય છે. રાજકોટના રાજવી લાખાજીરાજે આ ગરબી મંડળની સ્થાપના કરવી હતી. લગભગ એક સદી કરતાં જૂની આ ગરબી આજે પણ તેના પ્રાચીન રાસને કારણે લોકોમાં જાણીતી છે.

(દેવેન્દ્ર જાની-રાજકોટ)

 (તસવીરઃ નિશુ કાચા)