રાજકોટના ઉપલેટામાં જળબંબાકાર..

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. ત્યારે ગુજરાત પર વરસાદની સિસ્ટમ સર્કિય થવાથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં વરસાદની આજે પણ તોફાની બેટિંગ જોવા મળી. ઉલ્લેખનીય છે કે રાજકોટના ઉપલેટામાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ઉપલેટાના લાઠ ગામે ત્રણ કલાકમાં ધોધમાર 12 ઈંચ વરસાદ વરસતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં છે. ઉપલેટા તાલુકાના કેટલાક ગામ ભારે વરસાદના કારણે બેટમાં ફેરવાયા છે. અહી વરસાદે જાણે રૌદ્ર તાંડવ કર્યું હોય તેવો દ્રશ્યો સર્જાયા છે.

સૌરાષ્ટ્રના રાજકોટમાં આજે સવારથી વરસાદ મન મુકી વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે વાહનવ્યવહારને અસર પહોંચી છે. ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલો મોજડેમ 94 ટકાથી વધુ ભરાઈ જતાં નીચાણવાળાં ગામોને એલર્ટ કરાયાં છે. મોજ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉપલેટામાં લાઠ ગામમાં ત્રણ કલાકમાં ભારે વરસાદના પગલે લોકોના ઘર દુકાન ખેતરોમાં પાણી ઘૂસ્યા છે. ઉપલેટાના મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો હતો. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ કુલ 44 ફૂટની ક્ષમતા ધરાવતા મોજ ડેમની સપાટી હાલ 43.10 ફૂટે પહોંચી ગઈ છે તેમજ ડેમમાં હાલ 1175 ક્યૂસેક પાણીની આવક થઈ રહી હોવાથી મોજ નદીના કાંઠે આવેલાં ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયાં છે. હાલ ડેમની સપાટી 43.10 ફૂટ પહોંચી છે, જેથી ડેમ હાલ 94% ભરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાનો સૌથી વધુ વરસાદ ઉપલેટા અને ધોરાજીમાં જ નોંધાયો છે.