સાયન્સ સિટી અને DAIICTનો નવીનતા તરફ સંકલ્પ

અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટીમાં Unleashing the Digital Future વિષયક પ્રેરણાદાયી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધીરૂભાઈ અંબાણી યુનિવર્સિટી (DAIICT) ના કુલ 75 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. નવીન ગેલેરીના ભાવિ ડેવલોપમેન્ટમાં વિદ્યાર્થીઓના વિચારો અને ડિઝાઇનને સ્થાન મળવાનું હોવાથી આ કાર્યક્રમ વિશેષ મહત્વ ધરાવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને 12 વિશેષ થીમ આધારિત ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીના વિવિધ આકર્ષણો એક્વેટિક ગેલેરી, એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, હોલ ઑફ સાયન્સ, હોલ ઑફ સ્પેસ, ક્લાઈમેટ ચેન્જ લર્નિંગ લેબ, એનર્જી પાર્ક તથા નેચર પાર્ક — ની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ અહીં રજૂ નવીન વૈજ્ઞાનિક ટેક્નોલોજી અને તેમની કાર્યપદ્ધતિ વિષે વિસ્તૃત સમજ મેળવી.

મેળવેલા જ્ઞાન અને અનુભવોના આધારે વિદ્યાર્થીઓ હવે “Unleashing the Future Gallery” માટે પોતાના વિચારો, કન્સેપ્ટ્સ અને સર્જનાત્મક ડિઝાઇન રજૂ કરશે. આ ડિઝાઇન સાયન્સ સિટીના આગામી વિસ્તરણને આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

ગુજરાત સાયન્સ સિટી સતત નવીનતા અને શૈક્ષણિક ઉન્નતિ માટે પ્રેરણાસ્ત્રોત તરીકે ઊભી રહી છે. વિવિધ પ્રદર્શનો અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ દ્વારા અહીં વિદ્યાર્થીઓને વિજ્ઞાનને પ્રાયોગિક રીતે સમજવાનો અવસર મળે છે. યુનિવર્સિટીઓ સાથેના આ સંલગ્નનથી વિદ્યાર્થીઓમાં સંશોધન અભિગમ અને સર્જનાત્મક વિચારશક્તિને વેગ મળ્યો છે.

કાર્યક્રમમાં સામેલ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે સાયન્સ સિટીની આ મુલાકાત તેઓ માટે ‘શૈક્ષણિક સાથે પ્રેરણાદાયી અનુભવ’ બની છે. આ તેમની ભવિષ્ય કારકિર્દીમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે નવી દિશા આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.