સુરત: લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન 7મી મેના રોજ યોજાશે. જેમાં ગુજરાતની 25 સીટો પર મતદાન કરવામાં આવશે. ત્યારે ઠેર ઠેર લોકો મતદાન જાગૃતિ માટે નવતલ પ્રયોગ કરતા હોય છે. ત્યારે સુરતમાં મતદાન જાગૃતિ માટે સામૂહિક મહેંદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.7મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા સુરત જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત સુરત જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ અને આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સંયુક્ત રીતે મતદાન દિવસે જિલ્લા આરોગ્ય અધિકારીઓ ડૉ. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાના કુલ 28 આરોગ્ય સબ સેન્ટરો ખાતે “સામૂહિક મહેંદી કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને આશા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને મહેંદી વડે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મતદાન જાગૃતિના વિવિધ સૂત્રો લખાવી વધુમાં વધુ મતદારોને મતદાન કરવાનો અનેરો સંદેશ આપ્યો હતો.