મતદાતાઓનો રિમોટ સરકાર સામે સવાલ, પણ અન્ય પક્ષોને લાભ નહીં

અમદાવાદઃ વડા પ્રધાન મોદીએ ગુજરાત છોડ્યું એના આઠ વર્ષ થયાં, છતાં તેઓ ‘ગુજરાતનો નાથ’ જ છે, કેમ કે તેમની હાજરીમાં ગુજરાતી મતદારોને સલામતી મહેસૂસ કરે છે, પણ આ વખતની ચૂંટણીમાં તેમના માટે અને તેમના પક્ષ માટે બે ટ્રેન્ડ ચાલી રહ્યા છે, કેમ કે યુવા મતદારો અને પ્રૌઢ મતદારો વચ્ચે રાજકીય કશ્મકશ ચાલી રહી છે. પ્રૌઢ અને અને યુવાનો ગમે તે ભોગે મોદીને ટેકો આપી રહ્યા છે, પણ કેટલાક યુવાઓ રિમોટ કન્ટ્રોલવાળી સરકાર સામે સવાલ ઊભો કરી રહ્યા છે.

રાજ્યની ચૂંટણીમાં મોદીની આગેવાની હેઠળ એક બીજો પ્રશ્ન આરોગ્ય અને શિક્ષણને લઈને પૂછવામાં આવી રહ્યો છે અને બધા સ્તરે વધી ગયેલા ભ્રષ્ટાચાર વિશે સવાલ કરવામાં આવી રહ્યો છે. મોરબી દુર્ઘટનાને વહીવટી તંત્રની ઘોર નિષ્ફળતા ગણાવવeમાં આવી છે. બીજી બાજુ કેજરીવાલ આક્રમક રીતે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. વળી, સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની અછત મુદ્દે અને ગ્રામીણ સ્કૂલોના કથળેલા વહીવટ વિશે વડા પ્રધાન જવાબ આપવા માટે સીધા જવાબદાર છે.બીજી બાજુ ભાજપને વફાદાર લોકો કહી રહ્યા છે કે ગુજરાતી મતદારો માટે ભાજપ સિવાય બીજો મજબૂત વિકલ્પ નથી, પણ છેલ્લી ચૂંટણીમાં 182માંથી 60 બેઠકો પર ભાજપના વિજયમાં મતોની સરસાઈ પાતળી હતી.

બીજી બાજુ, કોંગ્રેસ આ વખતે અકળ રીતે સુસ્ત છે, કેમ કે તેમના નેતાઓ નિસ્તેજ અને એકમેક સાથે લડાઈ કરવામાં વ્યસ્ત છે. પક્ષના નેતાઓ ભાજપમાં ટિકિટની વ્યવસ્થા થાય તો ઉચાળા ભરી રહ્યા છે.  અરવિંદ કેજરીવાલ રાજ્યમાં આક્રમક રીતે ચૂંટણીપ્રયાર કરી રહ્યા છે, પણ તેમની ટીકા કરનારા લોકો કહી રહ્યા છે કે ‘ખાલી ચણો વાગે ઘણો’.  આમ આ વખતની ચૂંટણી ઘણી રસપ્રદ છે. જોઈએ ગુજરાતી મતદાતાઓ કયા પક્ષને વરમાળા પહેરાવે છે?