પૂર્વ CM વિજય રૂપાણી અને પૂર્વ DyCM નીતિન પટેલ નહીં લડે ચૂંટણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 :  ગુજરાતની ચૂંટણી પહેલા રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. સાથે જ નીતિન પટેલે સીઆર પાટીલને પત્ર લખ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પણ ચૂંટણી લડવા માંગતા નથી.

નીતિન પટેલ પણ નહીં લડે ચૂંટણી

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મેં તમામના સહકારથી પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે. આ ચૂંટણીઓમાં નવા કાર્યકરોને જવાબદારી સોંપવી જોઈએ. હું ચૂંટણી નહીં લડું, મેં દિલ્હીમાં વરિષ્ઠોને પત્ર મોકલીને જાણ કરી છે. અમે પસંદ કરેલા ઉમેદવારને જીતાડવા માટે કામ કરીશું. નીતિનભાઈ પટેલે કહ્યું કે આ વખતે હું અને વિજય રૂપાણી નવા કાર્યકરોને તક આપવા માટે ચૂંટણી લડી રહ્યા નથી.

 

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચૂંટણી નહીં લડે

આ બંને સિવાય કેટલાક અન્ય નામો પણ સામે આવ્યા છે જેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. વિજય રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ અને મહેસૂલ મંત્રી રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ચૂંટણી લડશે નહીં. અહેવાલોનું માનીએ તો વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્ર ચુડાસમા વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આ સાથે વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સૌરભ પટેલ અને પ્રદીપસિંહ જાડેજા પણ ચૂંટણી લડે તેવી શક્યતા ઓછી છે.