વાઇબ્રન્ટ ગુજરાતઃ વર્ષ 2022માં 120થી વધુ કંપનીઓને નિમંત્રણ

 અમદાવાદઃ રાજ્ય સરકાર આગામી વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમીટ આયોજિત કરશે. આ સમીટમાં દેશ-વિદેશમાં કેટલીય મોટી કંપનીઓ મૂડીરોકાણ માટે MoU કરશે. આ સમીટમાં ભાગ લેવા માટે 120થી વધુ કંપનીઓને આમંત્રણ આપવામાં આવી ચૂક્યાં છે. જેમાં કેટલીય કંપનીઓ ફિઝિકલ અથવા વર્ચ્યુઅલ ભાગ લેશે. આ સમીટમાં ડિફેન્સ અને ઈ-વેહિકલ્સ પર ધ્યાન કેન્દ્રિત રહેશે. આ સમીટમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા અને એલ એન્ડ ટી MoU કરે એવી શક્યતા છે. આમાં રિલાયન્સ અને મારુતિ જેવી કંપનીઓ પણ MoU કરે એવી શક્યતા છે. ડિફેન્સ એક્સપોની સાથે વાઇબ્રન્ટ સમીટનું આયોજનની શક્યતા છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમીટના આયોજનના ભાગરૂપે જ વિવિધ દેશના રાજદૂતો પણ ગુજરાતમાં આગમન કરી રહ્યા છે. બે-ત્રણ દિવસ પહેલાં જ યુકે અને બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂતોએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી વેપાર-ઉદ્યોગ મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત મુખ્ય પ્રધાને પણ બંને રાજદૂતોને વાઇબ્રન્ટ ગુજરાત સમીટ માટે આમંત્રણ પણ પાઠવ્યુ હતું. 

હાલ ઉદ્યોગ ભવનમાં વાઇબ્રન્ટ ગુજરાત યોજવા પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. સૂત્રોના મતે, ઉદ્યોગ વિભાગે  વાઇબ્રન્ટ ગુજરાત સમીટના પ્રચાર-પ્રસાર માટે પ્રિન્ટિંગ મટીરિયલ્સ માટે ટેન્ડર પણ બહાર પાડ્યાં છે.