ગાંધીનગર પાલિકામાં ભાજપની જીતઃ કોંગ્રેસ, આપનાં સૂપડાં-સાફ

ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં છે. જેમાં ભાજપે 44 બેઠકમાંથી 40  બેઠકો પર કબજો મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને ફાળે ત્રણ અને આપ પાર્ટીને એક બેઠક મળી છે.  આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ગાંધીનગરના 11માંથી ચાર વોર્ડમાં ભાજપની પેનલ વિજયી થઈ ચૂકી છે. આ ચૂંટણી નવા સીમાંકન અનુસાર યોજવામાં આવી હતી. જેનો સીધો લાભ ભાજપને મળ્યો છે.

આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકામાં ત્રિકોણીય સ્પર્ધા હતી. ભાજપ, કોંગ્રેસ સિવાય આપ પાર્ટીએ પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોટા ભાગની બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને જોરશોરથી પ્રચાર કર્યો હતો.

ભાજપની ભવ્ય જીતને પગલે ગુજરાત ભાજપ ઓફિસ કમલમમાં વિજય મહોત્સવ ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બપોરે કમલમમાં પહોંચશે.

આ ચૂંટણીમાં કુલ 162 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થયો હતો. જેમાં ભાજપના કુલ 44 ઉમેદવારો ઊભા હતા અને કોંગ્રેસે પણ કુલ 44 ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જોકે આમ આદમી પાર્ટીએ 40 ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં 22 બેઠકો મહિલા અનામત હતી, જ્યારે પાંચ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત હતી અને એક બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત હતી.

ગાંધીનગર કોર્પોરેશનના 11 વોર્ડમાં 2.81 લાખ મતદારો છે, જેમાંથી 1,58,532  મતદારોએ (56.11 ટકા) મતદાન કર્યું હતું.