સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદકાકાને નવું લીવર મળ્યું

સુરતમાં હીરા ઉદ્યોગ અને સમાજસેવામાં ખુબ મોટું નામ ધરાવતા શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાના લીવરમાં ખામી સર્જાતા એમને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પીટલમાં કરવામાં આવ્યું છે. વલસાડના યોગ શિક્ષક રંજનબેન ચાવડા એક અકસ્માતમાં બ્રેઈન ડેડ થયા હતા, એ પછી એમને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા હતા. એમના પરિવારે જયારે એમના અંગદાનનો નિર્ણય કર્યો એ પછી એમના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવક ગોવિંદભાઈ ધોળકિયામાં કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગયા શનિવારે જયારે ડોનેટ લાઈફ સંસ્થા મારફતે લીવર દાન મળ્યું અને ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યાં સુધી માત્ર રંજનબેન ચાવડાના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન થયું એટલા સમાચાર જ આવ્યા હતા. પરંતુ સુરતના કયા ઉદ્યોગપતિએ આ લીવરનું દાન મેળવ્યું એ જાહેર થયું ન હતું. આજે અચાનક સુરતના ખૂબ જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવક એવા ગોવિંદભાઈ ધોળકિયાના કિરણ હોસ્પિટલમાં સારવાર લેતા ફોટા અને વિડીયો સોસિયલ મીડિયામાં ફરતા થયા હતા.

કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે આજે જ ગોવિંદભાઈના સારવાર લેતા ફોટો જાહેર કર્યા છે. મોટી સંખ્યામાં લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનો કરીને બહોળો અનુભવ ધરાવતા અને કિરણ હોસ્પિટલ સાથે જોડાયેલા તેવા ડો. રવિ મોહન્કા અને ટ્રાન્સપ્લાન્ટ વિભાગની ટીમ દ્વારા લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળતાપૂર્વક કર્યુ. આ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યકિત અનેક સામાજીક કાર્યો સાથે જોડાયેલા અનેક સંસ્થાઓમાં કરોડોનું દાન કરી ચુકેલા, ખુબ લોક ચાહના ધરાવતા તેમજ ડાયમંડ વ્યવસાયના અગ્રણી ઉદ્યોગપતિ અને કિરણ હોસ્પિટલના પ્રમુખ એવા શ્રી ગોવિંદભાઇ ધોળકીયાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યું છે. સુરતમાં પ્રથમ કિરણ હોસ્પિટલ ખાતે અને તે પણ શ્રી ગોવિંદભાઇ ધોળકીયાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થતા ચારે તરફથી કિરણ હોસ્પિટલને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આજથી બે વર્ષ પહેલા સુરતમાં સૌપ્રથમ કિરણ હોસ્પિટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગ શરૂ કર્યો અને ત્યાર પછી અનેક દર્દીઓને સફળતા પુર્વક કીડનીઓ ટ્રાન્સપ્લાન્ટ થઇ તેવીજ રીતે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તેમજ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ વિભાગની પણ લોકો મોટી સંખ્યામાં સેવા લઇ રહયા છે. અગામી દિવસો માં કિરણ હોસ્પિટલમાં બાકી રહેલા ટ્રાન્સપ્લાન્ટ વિભાગો જેવા કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તેમજ ફેફસા ટ્રાન્સપ્લાન્ટ વિભાગો કાર્યરત થઇ જશે.

ગોવિંદભાઈ ધોળકિયાને છેલ્લા બે- ત્રણ વર્ષથી લિવરની સમસ્યા થઇ હતી. હરણિયાના ઓપરેશન વખતે લિવર ખરાબ હોવાનું નિદાન થયું હતું. જો કે, બે મહિના પહેલા કમળાની બીમારી થઈ હતી. ત્યારબાદ લિવર વધુ બગડ્યું હતું. જેથી લિવરને ટ્રાન્સપાલન્ટ કરાવવું જ ઉચિત હોવાનું તબીબોએ કહ્યું હતું. એ પછી સમગ્ર દેશ અને વિશ્વના તબીબોની સલાહ પછી સુરતમાં જે હોસ્પિટલ સાથે ગોવિંદકાકા પોતે સંકળાયેલા છે એ કિરણ હોસ્પીટલમાં જ લિવર ટ્રાન્સપ્લાન્ટમાં બહોળો અનુભવ ધરાવતા ડો. રવિ મોહનકાએ ઓપરેશન કરાવ્યું હતું.

મથુરભાઈ સવાણી અને ધોળકિયા પરિવારના લોકોએ આપેલી માહિતી મુજબ ગોવિંદભાઈ ધોળકિયાનું સફળ ટ્રાન્સપ્લાન્ટ પછી એમની તબિયતમાં બહુ સારો સુધારો છે. હજારો કરોડનો વિશ્વમાં હીરાનો વેપાર કરતી કંપનીના માલિક ગોવિંદભાઈ ધોળકિયા વિશ્વના કોઈપણ ખૂણે જઈને આ ઓપરેશન કરાવી શકતા હતા. પરંતુ જે હોસ્પિટલ સાથે એ જોડાયેલા છે એ સુરતની હોસ્પિટલમાં જ ઓપરેશન કરાવીને એમણે દાખલો બેસાડ્યો છે.

સુરતમાં સૌપ્રથમ વખત ડોનેટ લાઈફના માધ્યમથી દાનમાં મેળવવામાં આવેલા લિવરનું કિરણ હોસ્પીટલમાં શહેરના ઉદ્યોગપતિ અને સમાજ સેવકમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરનાર ચીફ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ.રવિ મોહન્કાએ ડોનેટ લાઈફની પ્રવૃતિ અને કિરણ હોસ્પિટલને બિરદાવી અભિનંદન પાઠવ્યા.

અંગદાન…જીવનદાન…

– ફયસલ બકીલી