અમદાવાદઃ યુનાઇટેડ સ્ટેટ્સના ન્યુ હેમ્પશાયરમાં આવેલા માન્ચેસ્ટર સ્થિત સ્ટ્રેટેજિક ગ્રોથ અને ઇન્વેસ્ટમેન્ટ ફર્મ York IEએ આજે અમદાવાદમાં પોતાની ફર્મનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી. આ ઇન્વેસ્ટમેન્ટ ફર્મનું આ પગલું ટેક્નોલોજી અને નવીનીકરણના અગ્રણી હબ બનવાની દિશામાં ગુજરાતે આરંભેલી વિકાસયાત્રામાં એક મહત્ત્વનું સીમાચિહન છે.
અમદાવાદમાં આવેલી ઓફિસ- કંપનીની પ્રોડક્ટ સ્ટ્રેટેજી અને ડેવલપમેન્ટ સેવાઓ માટે કંપનીના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તરીકે કામ કરશે, જ્યાં કામ કરી રહેલા ખૂબ જ કુશળ કર્મચારીઓ સોફ્ટવેર એઝ એ સર્વિસ’-(SaaS) કંપનીઓને વિકસાવવા માટે સફળ ઉત્પાદનો અને વેબસાઇટ્સ તૈયાર કરવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવશે.
આગામી પાંચ વર્ષમાં કંપની અમદાવાદની ઓફિસને 500 કર્મચારીઓની મદદથી વિવિધ વ્યાવસાયિક એકમો માટેના ગ્લોબલ એક્સેલરેશન સેન્ટરમાં ફેરવવા માગે છે અને આ વ્યાવસાયિક એકમોમાં ઉત્પાદનોનો વિકાસ કરવો, માર્કેટિંગ, નાણાકીય સંચાલનો અને રેવન્યુ સંબંધિત સંચાલનો વગેરેનો સમાવેશ થાય છે. આ કંપની ગુજરાતની ટોચની એન્જિનિયરિંગ કોલેજોની સાથે પણ સહભાગીદારી કરવા માગે છે, જેથી કરીને ટેક્નોલોજીના ક્ષેત્રને ખૂબ જ કુશળ વ્યાવસાયિકોનો સ્થિર પ્રવાહ મળતો રહે, તેની ખાતરી કરી શકાય. આ વિસ્તરણ અંગે ટિપ્પણી કરતાં York IE ઇન્ડિયાના હેડ કલરવ પરસાણાએ જણાવ્યું હતું કે અમારી આ મહત્ત્વાકાંક્ષી યોજના કંપનીને ટોચના પ્રોડક્ટ મેનેજર્સ અને એન્જિનિયર્સ માટેના પ્રીમિયર ડેસ્ટિનેશનની હરોળમાં લાવી દે છે. તેમણે જણાવ્યું હતું કે અમને આશા છે કે કંપની ગુજરાતની ઝડપથી વધી રહેલી ક્ષમતાઓની દીવાદાંડી બની રહેશે. તે વૈશ્વિક બિઝનેસ ઇકોસિસ્ટમમાં મહત્ત્વના પ્લેયર બનવાની રાજ્યની વિકાસયાત્રામાં લેવામાં આવેલું એક મહત્ત્વનું પગલું છે.