અમદાવાદઃ રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેને કારણે રાજ્યમાં અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે બાદ વરસાદનું જોર ઘટવાનું પણ અનુમાન છે. આજે રાજ્યના 14 જિલ્લામાં વરસાદ વરસવાની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે અમદાવાદ સહિત અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ અને નર્મદામાં વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના મોરબી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.હવામાન વૈજ્ઞાનિક વિજિનલાલે આવતી કાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. બે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદ થવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સાંજે વરસાદ પડવાની શક્યતાઓ જોવાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું છે.
અંજારના કચ્છમાં સોમવારે વાતાવરણમાં પલટો સર્જાતાં અચાનક જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે અંજાર માર્કેટ યાર્ડમાં કેરીઓના માલને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે પવન અને વરસાદના કારણે કેરીઓના બોક્સ પલળી ગયા છે. યાર્ડમાં પડેલા કચ્છી કેસર કેરીના બોક્સ પલળી ગયા છે.
કચ્છમાં ભુજના મોડાસર ગામે તોફાની વરસાદ સાથે વીજળી પડતાં 28 પશુઓના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે રાજકોટના જેતપુરમાં ભારે પવન ફૂંકાતાં ઓરડીના પતરાનું રીપેરિંગ કરતાં ચાર શ્રમિકો નીચે પટકાયા હોવાની દુર્ઘટના ઘટી હતી.