રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહીઃ આણંદમાં સાત-ઇંચ વરસાદ

અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક સુધી સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કેમધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે  સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને પણ દરિયો નહિ ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 

હવામાન વિભાગે રાજ્યના આણંદ, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આણંદમાં સાડાસાત ઈંચ વરસાદ

આણંદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને લગભગ ચાર કલાકમાં જ સાડાસાત ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારે લગભગ છ વાગ્યાથી આણંદમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ રસ્તાઓ પણ પાણી ફરી વળતાં વાહન-વ્યવહાર ખોરવાયો છે. ભારે વરસાદને લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ડભોલી અને પૂણા વિસ્તારમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

રાજ્યમાં ગઈ કાલે 68 જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ગઇકાલે ગુરુવારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગરમાં 3 ઇંચથી વધુ, જ્યારે ગારિયાધારમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં મોસમનો પહેલો વરસાદ ભારે તોફાની મિજાજ સાથે વરસતાં ૧૦૦થી વધુ વૃક્ષો, થાંભલા, સાઇનબોર્ડ તૂટી પડ્યાં હતાં.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]