વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજર રહેશે UAEના રાષ્ટ્રપતિ

અમદાવાદઃ રાજ્ય સરકાર 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન પણ ખાસ હાજર રહેશે. આ સિવાય મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી અને રશિયાના એક વરિષ્ઠ મંત્રી સહિતના અન્ય કેટલાક દેશોના દિગ્ગજો ગુજરાતના અતિથિ બનશે. આટલું જ નહીં, કોર્પોરેટ અને બિઝનેસ જગતના એક લાખથી વધુ લોકો ગાંધીનગર આવશે. આ આયોજનમાં અંદાજિત એક લાખથી વધુ અતિથિઓ સામેલ થવાની અપેક્ષા છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં રશિયાના 200 અધિકારી અને ઉદ્યોગપતિ હાજર રહેશે. તેની આગેવાની ત્યાંના વરિષ્ઠ મંત્રી કરશે. જે અધિકારી સમિટમાં આવી રહ્યા છે તેઓ પૂર્વ રશિયાના વિસ્તારોના ગવર્નર છે. ભારત અને રશિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો ગાઢ બન્યા છે.  વ્લાદિવોસ્તોક-ચેન્નઈ શિપિંગ કોરિડોર બંને દેશોના મોટા પ્રમાણમાં વેપારને પ્રોત્સાહન આપવામાં સક્ષમ બનાવી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં વિકસિત ભારત 2047 માટે ગુજરાતના રોડમેપ પર એક સત્ર અને એક MSME કોન્ક્લેવ પણ આયોજિત થશે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદી 9 જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજાનારા ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂકશે. તેઓ 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરશે.