અમદાવાદઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે આગામી પાંચ દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આમે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ કમોસમી વરસાદ પડ્યો છે. શુક્રવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં શુક્રવારે સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. હજી પણ આજે શનિવારે અને રવિવારે અનેક જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. તેમ જ વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી પાંચ દિવસમાં આઠ જિલ્લામાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અને કચ્છ, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે તો કેટલાક વિસ્તારમાં લોકલ એક્ટિવિટીને કારણે પણ વરસાદ થઈ શકે છે.
28 અને 29 મેએ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિકને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ કારણે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની હવામાન વિભાગે માહિતી આપી છે.
આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 24 કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે. અમદાવાદમાં પણ 40 ડિગ્રી અસપાસ તાપમાન નોંધાવાનું હવામાન વિભાગનો અંદાજ છે.