મસ્કે મૂડીરોકાણ માટે ફરી ગુજરાત તરફ મીટ માંડી

અમદાવાદઃ ગુજરાત એ ઓટોમોબાઇલ હબ છે ટાટા મોટર, મારુતિ ઉદ્યોગના પ્લાન્ટ તો રાજ્યમાં છે, એ સાથે ઇલેક્ટ્રિક બેટરીનો પ્લાન્ટ પણ સ્થપાઈ રહ્યો છે. ટેસ્લાના એલન મસ્ક પણ ઇલેક્ટ્રિક વેહિકલ બનાવવા માટે ગુજરાત તરફ મીટ માંડે એવી શક્યતા છે.

ટેસ્લાના CEO એલન મસ્કે હાલમાં એક અગ્રણી ન્યૂઝપેપરને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતના મુખ્ય ઓટોમોટિવ કેન્દ્રોમાંના એક ગુજરાતે આશા જગાડી દીધી છે. ટાટા અને મારુતિના પ્લાન્ટ પછી ટેસ્લા રાજ્યમાં એકમ સ્થાપિત કરવા માટે અને મૂડીરોકાણ માટે એક મોટો ખેલાડી બની શકે છે. રાજ્યમાં વિકસિત માળખાકીય પાયો છે અને સપ્લાય ચેઇન માટેની સુવિધા છે.

વર્ષ 2021-22માં રાજ્ય સરકાર દ્વારા ટેસ્લાને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં આવવાનું ઇજન આપ્યું હતું. રાજ્યના ઉદ્યોગ વિભાગે ટેસ્લાને ચાર આમંત્રણ મોકલવામાં આવ્યાં હતાં, જેને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો હતો. જોકે કર લાભો અને વધારાના ઇન્સેન્ટિવ માટેની ટેસ્લાની માગને કારણે વાટાઘાટ પડી ભાંગી હતી. વળી કેન્દ્રએ પણ વધુપડતા કરલાભો આપવા માટે અનિચ્છા આપી હતી.

જોકે હવે કેન્દ્રની પ્રોજેક્ટ લિન્ક્ડ ઇન્સેટિવ (PLI) યોજના છે, જે સંભવિતપણે ટેસ્લાના નિર્ણયને અસર કરી શકે છે. વળી, કેન્દ્રની મંજૂરીએ રાજ્ય સરકાર ટેસ્લા સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. વળી, રાજ્યમાં વ્યાપક પોર્ટનું નેટવર્ક ટેસ્લા માટે આકર્ષક છે, જેથી કંપની નિકાસની યોજના બનાવી શકે છે. મેક્સિકો અને ભારત –બંને સંભવિત સ્થળોના રૂપે મસ્કના રડાર પર છે.