આજે વિશ્વ કૌશલ્ય દિવસઃવર્લ્ડ સ્કીલ એસોસિયેશન દ્વારા સ્પર્ધાનું આયોજન

વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 15 જુલાઈને વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે જાહેર કર્યો. એનો મુખ્ય હેતુ યુવાનોને રોજગાર, યોગ્ય કાર્ય અને ઉદ્યોગ સાહસિકતા માટે કૌશલ્યોથી સજ્જ કરવાના વ્યૂહાત્મક મહત્વની ઉજવણી કરવાનો છે. વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2024 ની થીમ ‘શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય’, છે. જે શાંતિ નિર્માણ અને સંઘર્ષ નિવારણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરે છે.

દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વર્લ્ડ સ્કીલ એસોસિયેશન દ્વારા વર્લ્ડ સ્કીલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજયના યુવાઓમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય અને રૂચિ વધે એ માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ વર્ષે પણ નેશનલ સ્કીલ ડેવલેપમેન્ટ કોર્પોરેશન(NSDC)ની ગાઈડલાઈન પ્રમાણે  રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય  વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન(જી.એસ.ડી.એમ.) દ્ધારા ગુજરાત રાજ્યમાં જિલ્લા, ઝોન અને રાજ્ય લેવલે ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-૨૦૨૪ આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં રાજ્ય કક્ષાનાં ૨૩ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમણે નેશનલ કક્ષાએ દિલ્હી, કર્ણાટક અને ગુજરાતમાં યોજાયેલી જુદી-જુદી સ્કીલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધકમાંથી રાજ્ય કક્ષામાં ગુજરાત રાજયના ૨ સ્પર્ધકોને ગોલ્ડ મેડલ , ૨ સ્પર્ધકોને સીલ્વર મેડલ, ૨ સ્પર્ધકને બ્રોન્ઝ મેડલ, અને ૭ સ્પર્ધકોને મેડલ ઓફ એક્સેલન્સ એમ કુલ 13 સ્પર્ધકોએ મેડલ મેળવ્યા છે. નોંધનીય છે કે ઈન્ડસ્ટ્રી ૪.૦માં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેળવનાર ગુજરાત રાજ્યના ૨ સ્પર્ધકો આગામી વર્લ્ડ સ્કીલ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે ફ્રાંસ જશે.

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના ૨૩ વિજેતા ઉમેદવારોને ચેક અને પ્રમાણપત્ર તથા ૧૨ ઉમેદવારો કે જે નેશનલ કક્ષાનાં વિજેતાઓ છે તેઓને મેડલ્સ અને પ્રમાણપ્રત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિભાગના અધિક મુખ્ય સચિવ  ડો.અંજુ શર્મા નિયામક કૌશલ્ય વિકાસ, અનુપમ આનંદ અને રોજગાર- તાલીમના નિયામક ગાર્ગી જૈન ઉપસ્થિતિ રહ્યા હતા.