રાજકોટ: ભાવનગરના બોર તળાવમાં ગઈકાલે ચાર બાળકીના ડૂબી જવાથી મોત નો ઘટના નો શોક હજુ છવાયો છે, ત્યારે આજે બપોરે મોરબીના માળિયા નજીક તળાવમાં નહાવા પડેલા 3 બાળકોના ડૂબી જવાથી મોતની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે.
ગુજરાતમાં તળાવમાં ડૂબવાથી મોતની ઘટનાઓ સતત વધી રહી છે. મોરબી જિલ્લાના માળિયા નજીક વર્ષામેડી ગામના તળાવમાં આજે બુધવારે બપોરે ત્રણ બાળકો નહાવા પડ્યા હતા જે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા અને મોતને ભેટ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
મૃતકોમાં શૈલેષ ચાવડા ( ઉ. 8 ) , ગોપાલ ચાવડા ( ઉ. 12 ) અને મેહુલ ( ઉ. 10 ) નામના બાળક નો સમાવેશ થાય છે. આ બાળકોના પિતા મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાણીમાં ડૂબીને જીવ ગુમવી દેવાની આ પાંચમી ઘટના પ્રકાશમાં આવી છે. આ અગાઉ નર્મદા, નવસારીના દાંડી, મોરબના મચ્છું નદીમાં અને ભાવનગરના બોર તળાવમાં કુલ 18 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે ફરી એક વાર પાણીમાં ગોજારી દુર્ઘટના થયા હોવાનું સામે આવ્યું છે.
(દેવેન્દ્ર જાની, રાજકોટ)