જાણો, ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ?

કાળઝાળ ગરમી વચ્ચે દેશના મોટાભાગના રાજ્યોમાં હવે માત્ર ચોમાસાની રાહ જોવાઈ રહી છે. સારા સમાચાર એ છે કે આ વખતે ચોમાસું સમય પહેલા આગળ વધી રહ્યું છે અને સારો વરસાદ લાવવા જઈ રહ્યું છે. તો ચાલો જાણીએ ગુજરાતમાં ચોમાસુ ક્યારે દસ્તક આપશે. ચોમાસું કેવું રહેશે ઉપરાંત ક્યારથી વિધીવત ચોમાસાની શરૂઆત થશે એ વિશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

અંબાલાલ પટેલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કેઃ રોહિણી નક્ષત્રમાં 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ અને વંટોળ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળનાં ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. અંદમાન નિકોબાર ટાપુ પર બેસેલ ચોમાસુ આગળ વધશે. પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા આ વર્ષે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. ઉપરાંત અરબ સાગરમાં પણ જૂન માસમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે.

બંગાળના ઉપસાગર પર સર્જનાર ચક્રવાત થી 100 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ અને દક્ષિણ પૂર્વીય તટમાં ભારે વરસાદ થી કેટલાક ભાગોમાં પુર પણ આવી શકે છે. અરબ સાગરના ભેજના કારણે ગાજવીજ સાથે દેશના ભાગો સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ લાવશે. રાજ્યમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસુ આવવાની શક્યતા છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશે છે. સામાન્ય રીતે તે ઉછાળા સાથે ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. આ પહેલા 22 મી મેના રોજ ચોમાસું આંદામાન અને નિકોબારમાં પહોંચ્યું હતું. આ વખતે ચોમાસુ સામાન્ય કરતાં 3 દિવસ વહેલાં એટલે કે 19 મી મેના રોજ આંદામાનમાં આવી ગયું છે. આગામી એક અઠવાડિયામાં ચોમાસું ગુજરાતમાં પણ પ્રવેશ કરશે. જો કે સત્તાવાર રીતે 7 જૂનથી 14 જૂનની વચ્ચે વરસાદની વિધિવત શરૂઆત થવાની શક્યતા છે. ટૂંકમાં આ વર્ષે ચોમાસુ સારું જવાની શક્યતા છે.

આ તારીખે પડશે વરસાદ

 

જૂન મહિનાની વાત કરીએ તો 7,8, અને 9 જૂને વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 21, 22, અને 23 જૂને પણ સારો વરસાદ પડશે. જુલાઈમાં 5,6 અને 7 તારીખે વરસાદ વરસશે. તો ઓગષ્ટમાં તારીખ 2 થી લઈને 8 સુધી વરસાદની સરવણી થવાની શક્યતા છે. જો કે આ વચ્ચે 3 અને 4 ઓગષ્ટે વધુ વરસાદ રહેશે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ દિવસથી જ એટલે કે તારીખ 1 થી લઈને 3 સુધી સતત વરસાદ આવવાની શક્યતા છે. એ જ રીતે સપ્ટેમ્બર મહિનાના અંતમાં તારીખ 27,28 અને 29 પણ વરસાદની આગાહી છે. વરસાદની વિદાયની વાત કરીએ તો ઓક્ટોબરની 3, 4,5 તારીખે વરસાદ આવ્યા પછી તારીખ 10 અને 11એ  વર્ષના ચોમાસાનો છેલ્લો વરસાદ કહી શકાય.