નર્મદાઃ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પાંચ ઓક્ટોબરથી ICC ક્રિકેટ વિશ્વ કપ શરૂ થઈ રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી ક્રિકેટ વિશ્વનું શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક છે અને એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ વિશ્વને ભારતની એકતા અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે ત્યારે આ ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રદર્શન માટે મૂકવામાં આવી છે. આ ટ્રોફીના વૈશ્વિક પ્રવાસના ભાગરૂપે એકતાનગરની પણ ઐતિહાસિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રોફીને અવકાશની સાથે ૧૮ દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓને આ ટ્રોફીને નજીકથી નિહાળવાની દુર્લભ તક ક્રિકેટપ્રેમીઓને મળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રોફીની મુલાકાત ક્રિકેટની લોકપ્રિયતા અને વિશ્વભરના લોકોને એક કરવાની તેની ક્ષમતા બતાવે છે.
ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફીએ આ વર્ષની શરૂઆતથી જ તેની અદભુત સફર શરૂ કરી છે. પૃથ્વીથી ૧,૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલી સ્ટ્રેટોસ્ફિયર સુધી પહોંચી હતી. આ રોમાચક સફરે અખબારો અને ટીવી ચેનલ્સની હેડલાઇન્સ બનાવી હતી. ટ્રોફીની રોમાંચક અને ઐતિહાસિક સફરમાં તેને વિશ્વભરમાં વિવિધ પ્રસિદ્ધ સ્થળોએ લઈ જવામાં આવી છે, જે તેને એકતા અને રમતગમતની શ્રેષ્ઠતાનું પ્રતીક બનાવે છે.
