સુરતના બોમ્બે માર્કેટમાં લાગી ભીષણ આગઃ કોઈ જાનહાનિ નહીં

સુરતઃ વરાછા વિસ્તારમાં આવેલી બોમ્બે માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આ આગની માહિતી મળતાં ફાયર સ્ટેશનની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. આગને લઈ કાપડ માર્કેટમાં અફરાતફરી જોવા મળી રહી છે. આ માર્કેટમાં 500થી વધુ કાપડની દુકાનો છે આ આગને પગલે માર્કેટ ખાલી કરાવવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં કોઈના જાનહાનિના સમાચાર નથી.

સુરત નગર નિગમના મુખ્ય ફાયરબ્રિગ્રેડના અધિકારી કૃષ્ણા મોડે જણાવ્યું હતું કે સુરતના બોમ્બે માર્કેટમાં એક શોરૂમમાં આગ લાગી હતી. સ્થિતિ નિયંત્રણમાં છે. આગ લાગવાનું કારણ હજી માલૂમ નથી પડ્યું.

આ આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. ગ્રાઉન્ડ ફ્લોરથી આગની શરૂઆત થઈ હતી અને અચાનક જ પ્રસરી હતી. આથી તાત્કાલિક ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચતાં ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ આવી જતા સ્થાનિક વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

વેપારી મહેન્દ્ર ઝવેરીએ જણાવ્યું હતું કે આ જૂની બોમ્બે માર્કેટમાં મોટી સંખ્યામાં સાડીઓની દુકાનો આવેલી છે. સદનસીબે મોટી દુઘટર્ના બનતાં ટળી ગઈ છે. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને ફાયરબ્રિગ્રેડને મદદ કરી હતી જેને પગલે આગ વધુ પ્રસરતાં અટકી હતી.