3 દિવસના વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવ 2023 નું રંગેચંગે સમાપન

૩ દિવસનો વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવ ૨૦૨૩ દક્ષિણ એશિયા,લેટીન અમેરીકા અને કેરેબીયન ટાપુઓની જોશસભર પ્રસ્તુતિઓ સાથે રંગેચંગે સમાપ્ત થયો. આ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ ઉપરાંત વિવિધ સંપ્રદાયોના આગેવાનોએ મંચ પર પોતાની વિશિષ્ટ પ્રથાથી વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી અને ધિક્કાર તથા ધર્માંધતાને તિલાંજલિ આપવાની હાકલ કરી. છેલ્લા ત્રણ દિવસોમાં ૧૮૦ દેશોના ૧૦ લાખ કરતાં વધુ લોકો વોશિંગ્ટન ડીસીના પ્રતિકાત્મક નેશનલ મોલ ખાતે માનવતાના એક ઐતિહાસિક મહોત્સવમાં આત્મીયતા અને ભાઈચારાનો એક જ સંદેશનો પ્રસાર કરવા નૃત્ય, સંગીત, ધ્યાન અને સંસ્કૃતિ દ્વારા માનવીય વૈવિધ્યોની ઉજવણી કરવા એકત્રિત થયા હતા.

આ ઉત્સવ માણસો વચ્ચેના જોડાણ અને સમાન ધ્યેય માટે ઐક્યની ભાવના તથા માનવ ચેતનાના ઉત્થાનની પળોથી છલોછલ હતો. મહોત્સવની સૌથી યાદગાર પળોમાંની એક કે જે સંવેદનાસભર હતી.  યુક્રેનના સમુહ દ્વારા હ્રદયસ્પર્શી  પ્રસ્તુતિ પછીની એ ઉત્કટ ક્ષણ હતી. જ્યારે ગુરુદેવની આગેવાનીમાં યુક્રેનની પ્રજા માટે  પ્રાર્થના કરવામાં આવી હતી. ગો-ગો બેન્ડની ધમાકેદાર પ્રસ્તુતિ દરમ્યાન આનંદ અને ઉજવણીના જીવંત તાલ સાથે મહાનુભાવોથી માંડીને ઉપસ્થિત મેદનીમાં સૌમાં થનગનાટ જોવા મળ્યો હતો. અન્ય એક ઐતિહાસિક ક્ષણ હતી જ્યારે વિવિઘ સંપ્રદાયના આગેવાનોએ દુનિયામાં શાંતિ માટે હ્દયના ઊંડાણેથી કરેલી  પ્રાર્થનાએ ત્યાં ઉપસ્થિત સૌના તાર ઝણઝણાવ્યા હતા.

કોલંબિયાના સંસદ સભ્ય જુઆન કાર્લોસ-ટેરેસે જ્યારે વક્તવ્યમાં કહ્યું કે, ગુરુદેવ દુનિયામાં એક દેશ એવો છે જેણે તમને સંપૂર્ણપણે કૃતજ્ઞ રહેવું પડે. તમે બોગોટા આવવાનું અને અમારા પ્રમુખને મળવાનું નક્કી કર્યું હતું અને પછી હવાના ગયા હતા. તમે ફાર્કના વિદ્રોહીઓને અહિંસાનો માર્ગ અપનાવવા તૈયાર કર્યા હતા. ત્યારે ત્યાં મેદનીએ તાળીઓના ગડગડાટથી સૂર પુરાવ્યો હતો. ઉત્સવમાં ૧૭,૦૦૦ કલાકારો પણ એકત્રિત થયા. દુનિયાની વિવિધ સંસ્કૃતિઓ અને પ્રથાઓ દર્શાવતી ૬૦થી વધારે પ્રસ્તુતિઓ રજૂ થઈ હતી. વાણિજ્ય, રાજકારણ અને ધર્મના ક્ષેત્રોના વૈશ્વિક નેતાઓએ વધારે સહકારભર્યા અને પરસ્પર પર આધારિત વૈશ્વિક સમુદાય માટેની પોતાની પરિકલ્પનાઓ રજૂ કરી હતી. વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ પોતાના વક્તવ્યમાં કહ્યું, આપણામાં જન્મજાત સારાપણું હોય છે. તેનો વિકાસ થવો જોઈએ.એવું ત્યારે શક્ય બને છે જ્યારે આપણને ‘વસુધૈવ કુટુંબકમ’ની પ્રતીતિ થાય છે.

ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યની ઝાંખી કરાવતું ‘પંચભૂતમ’ રજૂ કરાયું હતું. જેમાં ૫ ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભરતનાટ્યમ્, કથ્થક, ઓડિસી, કુચીપુડી અને મોહિની અટ્ટમ્.સાથે સાથે ૨૫૦ સિતાર, વીણા, તબલા, મૃદંગ, વાંસળી, ઘટ અને વાયોલીન વાદકોનું  સમુહ વાદન પણ રજૂ થયું હતું.  ૧૦,૦૦૦ ઉત્સાહસભર કલાકારો દ્વારા ગરબો, ૨૦૦ કલાકારો દ્વારા ઊર્જાસભર ભાંગડા, કાશ્મીરી લોકનૃત્ય અને ૨૦૦ ચેંડા ડ્રમ વાદકો. વૈશ્વિક પ્રસ્તુતિઓ હતી. આફ્રિકા, જાપાન, મીડલ ઈસ્ટ, કેરેબીયન ટાપુઓ, આર્જેન્ટીના, નેપાળ, સ્લેવીક દેશો અને મોંગોલીયાના અદભૂત નૃત્યો, ૧,૦૦૦ ચાઈનીઝ, અમેરિકન ગાયકો અને નૃત્યકારો દ્વારા રોમાંચક પ્રસ્તુતિ, પાકિસ્તાનની હ્રદયસ્પર્શી પ્રસ્તુતિ, લેટીન અમેરીકન નૃત્યકારો, શ્રી લંકાના ડ્રમ અને નૃત્ય તથા નેપાળની સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થઈ હતી. મોહિની અટ્ટમ્ નૃત્યના નિર્દેશક બીના મોહને જાણવ્યું હતું. આ એટલું તો દિગ્મુઢ કરી નાંખે તેવું અદભૂત છે. આ અનુભવમાંથી અમે ઘણું શીખ્યા છીએ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કાર્યક્રમમાં ભૌગોલિક અને લોકોના વૈવિધ્યપૂર્ણ પ્રતિનિધિત્વ જોતાં કહ્યું હતું. ગુરુદેવ તમે વૈશ્વિક પરિવારની એક સૂક્ષ્મ આવૃત્તિ બનાવી છે.

મહોત્સવમાં જે નોંધપાત્ર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તે છે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર, વિશ્વ સંગઠનના ૮ મા સેક્રેટરીજનરલ બાન કી-મુન, લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજન, યુ એસ સર્જન જનરલ ડો વિવેક મૂર્તિ, ડીસીના મેયર મુરીએલ બાઉસર, જાપાનના સંસદ સભ્ય હાકુબુન શીમોમુરા, યુ એનના પૂર્વ ડેપ્યુટી સેક્રેટરી જનરલ તથા યુએનઈપીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એરિક સોલહેમ તથા અન્ય રાજદ્વારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું, આ મેળાવડો એ બાબતની પ્રતીતિ કરાવે છે કે માનવીયતા તમામ વિભાજનોથી પર છે.આપણે મળીને એવી દુનિયાનું સર્જન કરવું જોઈએ જ્યાં શાંતિ અને સંવાદિતા હોય.

  • ૧૮૦- દેશોએ ભાગ લીધો.
  • ૧૦,૦૦,૦૦૦- લોકો વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલ પર આયોજિત આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા.
  • ૫૧- સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દુનિયાભરથી રજૂ થઈ.
  • ૪૭- મહાનુભાવોએ વકતવ્ય આપ્યા
  • ૧૦૦૦- ગુરુદેવ સાથે યોગ માટે ઉત્સાહિત લોકોએ લીંકન મેમોરિયલ પર યોગ, પ્રાણાયામ અને ધ્યાન કર્યા.
  • ૧૦,૦૦૦- લોકોએ ઐક્યનો સંદેશો આપતાં ગરબો રજૂ કર્યો.
  • ૧૭,૦૦૦- કલાકારોએ પ્રસ્તુતિઓ રજૂ કરી.