અમદાવાદઃ રાજ્યમાં માસ્ક નહીં પહેરતાં લોકો સામે ગુજરાત હાઇકોર્ટના કોવિડ કેર સેન્ટરમાં સેવા આપવાના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. આ પહેલાં હાઈકોર્ટે રાજ્ય સરકારને આ માટે જાહેરનામું પાડવા આદેશ કર્યો હતો, જેની સામે રાજ્ય સરકારે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો. જેથી સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના સમાજ સેવાના આદેશ પર સ્ટે મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ આદેશ ગેરવાજબી છે અને તેનાથી આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જોકે કોર્ટે કહ્યું હતું કે માસ્ક પહેરવો ફરજિયાત છે અને આદેશનો ભંગ કરનારને નિયમ મુજબ સજા થવી જોઈએ.
ગુજરાત હાઈકોર્ટના સામાજિક સેવાના આદેશ સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાતના સોલિસિટર જનરલે આ મામલે આજે જ સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી. આ સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોરોના ગાઇડલાઇનનું રાજ્ય સરકાર સખતાઈથી પાલન કરાવે અને સરકારને ચાર સપ્તાહમાં કાઉન્ટર જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આપ્યો હતો આવો જવાબ
રાજ્યમાં કોરોના કેસોમાં ઉછાળો આવતાં ગુજરાત હાઈકોર્ટે સરકારને માસ્ક વગર ફરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા અને દંડ વસૂલવા ઉપરાંત તેમની પાસે કોવિડ કેર સેન્ટરમાં સામાજિક સેવા કરાવવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટમાં ગુજરાત સરકારે એવો જવાબ રજૂ કર્યો હતો કે હાલમાં સરકાર કોવિડ સંક્રમણ નિવારવા માટે કામ કરી રહી છે અને તેઓ માસ્ક વગર ફરતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સામાજિક સેવા કરાવવા માટે અસહાય છે.