ભીડ ભેગી કરનાર ભાજપના નેતા કાંતિ ગામીતની ધરપકડ

સોનગઢ (તાપી જિલ્લો): ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને સોનગઢ તાલુકામાંથી સુમુલ ડેરી (સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદકોના યૂનિયન લિમિટેડ)ના ડિરેક્ટર કાંતિ ગામીતે હાલમાં જ એમની પૌત્રીની સગાઈમાં હજારોની સંખ્યામાં માનવ મેદની એકઠી કરતાં તેમના સહિત 18 લોકોની આઇપીસીની કલમ 308 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સગાઈના પ્રસંગમાં હજારોની મેદનીનો વિડિયો વાઇરલ થયો હતો. તે કાર્યક્રમમાં લોકો માસ્ક વગર ગરબા ગાતા-નાચતા જોવા મળ્યા હતા. તે પ્રસંગમાં કોવિડ-19ની ગાઇડલાઇન્સનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થયું હતું. ગુજરાત હાઇકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લઈને કાર્યવાહી કરવાની રાજ્ય સરકારને સૂચના આપી હતી.‘હું આ ભૂલ બદલ માફી માગું છું. અમે તુલસી વિવાહનું આયોજન કર્યું હતું, મારી પૌત્રીની સગાઈનો પ્રસંગ હતો, પણ અમે કોઈને પણ વ્યક્તિગત રીતે આમંત્રણ નહોતું આપ્યું. અમે 2000 લોકો માટે ભોજન તૈયાર કર્યું હતું અને ડાન્સનું પણ આયોજન કર્યું હતું. કોઈએ એનો વિડિયો ઉતાર્યો હતો અને એ વિડિયો વાઇરલ થયો હતો,’ એમ ગામીતે કહ્યું હતું.

અહેવાલો મુજબ આ પ્રસંગ 30 નવેમ્બરે તાપી જિલ્લાના ડોસાવાડા ગામમાં ઊજવવામાં આવ્યો હતો. આ વાઇરલ વિડિયોમાં હજારો લોકો કોવિડ-19ની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરીને ડાન્સ કરતા દેખાય છે. આ વાઇરલ વિડિયોના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ સગાઈના પ્રસંગમાં કોવિડ-19ની ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે વિડિયોના આધારે વિશ્લેષણ કરીને કાર્યવાહી કરવામાં આવશે. હાઈકોર્ટના જજ પારડીવાલાએ પણ આ સંદર્ભે પૂછ્યું હતું કે, ‘તમારા એસપી એ વખતે ક્યાં હતા અને શું કરતાં હતાં.’ સમગ્ર કેસની તપાસ સુરત જિલ્લા DYSP ઉષા રાડાને સોંપવામાં આવી છે. સાત દિવસમાં રિપોર્ટ સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]