ગણેશોત્સવ શરૂ થતા જ ગુજરાત સહિત સમગ્ર દેશ ગણેશમય બન્યો છે. ત્યારે આજે એવા ગણેશ મંદિર વિશે જાણીએ જેનો ઈતિહાસ 1200 વર્ષ જુનો છે.
ગુજરાતમાં ગણપતિ બાપ્પાના અનેક મંદિરો છે જે ક્યારેક દાદાની મૂર્તિના કારણે તો ક્યારેક બાપ્પાના આગવા અસ્તિત્વને લઈને ભાવિકોમાં પૂજનીય છે. જેમાં એક નામ છે ગુજરાતના મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકામાં આવેલા ઐઠોર ગામના ગણપતિ દાદા.
મંદિર સાથે જોડાયેલી છે અનેક દંતકથા
આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. કહેવાય છે કે આ મંદિરમાં સ્થાપિત ગણપતિ બાપ્પાની મુર્તિ પાંડવ યુગની છે. તો વળી એક લોકવાયકા એવી પણ છે કે આ મંદિરના ઈતિહાસ સાથે સોલંકી કાળ પણ જોડાયેલો છે.
..અને ઇન્દ્રદેવના રથના પૈડા ભાંગી ગયા
મંદિરના પ્રાચીનકાળની વાત કરીએ તો ઇન્દ્ર દેવના લગ્ન સમયે બધાય દેવી-દેવતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ ગણપતિ દાદાની વાંકી સૂંઢ અને વિચિત્ર દેખાવના કારણે એમને લગ્નમાં આમંત્રણ આપવામાં ન આવ્યું. જ્યારે દેવ ઇન્દ્ર જાન લઈને ઐઠોર અને ઉંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા ત્યારે ગણપતિ દાદાના ક્રોધના કારણે ઇન્દ્રદેવના રથના પૈડા આપોઆપ ભાંગી ગયા. એ સમયે કોઈએ કહ્યું કે આ બધુ ગણેશનો અનાદર કર્યાનું ફળ છે. આટલુ સાંભળતા જ બધાય દાદાને મનાવવા પુષ્પાવતી નદીના કીનારે 33 કરોડ દેવી-દેવતાની પૂજા કરવા લાગ્યા. આ પૂજાથી ખુશ થઈને ભગવાન શીવ પોતાના પરિવાર સાથે જાનમાં જોડાયા. પરંતુ થોડીવારમાં જ ગણપતિ દાદાને થાક લાગતા શીવ ભગવાને બાળ ગણેશને કહ્યું ‘અહિં ઠેર’ જેના પરથી ગામનું નામ ઐઠોર પડ્યુ.
ભાવિકો દાદાને રીઝવવા ખાસ પૂજા-અર્ચના કરે છે
ઐઠોરમાં બિરાજમાન દાદાની મૂર્તિ માટીમાંથી બનાવેલી છે એટલુ જ નહીં બાપ્પાની પ્રતિમા ડાબી સૂંઢની છે. કહેવાય છે કે ભારતના કોઈ પણ મંદિરમાં આવી મુર્તિ ક્યાંય નથી.
આમ તો બારેમાસ ગણપતિ બાપ્પાના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે. પરંતુ ખાસ કરીને ગણેશ મોહત્સવમાં ભાવિકો દાદાને રીઝવવા ખાસ પૂજા-અર્ચના કરે છે.