આ ગણેશ ઉત્સવમાં મૂષક અને મંકીમેનના છે જીવંત દ્ધશ્યો

મહારાષ્ટ્રના જાણીતા ગણેશ ઉત્સવની ગુજરાતમાં પણ ધૂમ મચી છે. ગુજરાતના ગામો પણ વિધ્નહર્તાના ગુણગાન માં લીન બની રહ્યા છે. ગુજરાતના કેટલાક શહેરોમાં આ ઉત્સવને લઈને અનેક પ્રયોગો થકી ભાવિકોમાં આકર્ષણ ઉભુ કરવામાં આવ્યું છે.

ભાવિકોમાં દુંદાળા દેવનું અનેરુ આકર્ષણ

રાજ્યમાં પ્રથમ વખત રાજકોટના એક સાર્વજનિક ગણેશ ઉત્સવના પંડાલમાં ગણપતિ દાદા ની તેમના વાહન એવા સફેદ મૂષક પ્રદિક્ષણા કરતા હોય અને હનુમાન સેનાના સેવક મંકી મેન કૂદાકૂદ કરતા જીવંત દ્ર્શ્યો એ શહેરીજનોમાં આકર્ષણ ઉભુ કર્યું છે.

રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર જે.કે.ચોકમાં શિવશકિત યુવા ગ્રુપ દ્વારા આ સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 15 વર્ષથી આ ગ્રુપ આ સ્થળે ગણપતિ મહોત્સવ ઉજવે છે.

રાજકોટની સૌથી મોટી ગણેશજીની પ્રતિમા

દર વર્ષે કંઇક નવું આકર્ષણ અહીં જોવા મળે છે. આ ગ્રુપના મુખ્ય સ્થાપક અને આયોજક જે.કે.જાડેજા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, આ વર્ષે આ ચોકમાં રાજકોટની સૌથી મોટી ગણેશજીની  12 ફૂટની મૂર્તિનું  અહીં સ્થાપન કર્યું છે.

આગળ વાત કરતા જે.કે. જાડેજા કહે છે, આ ઉપરાંત ગુજરાતમાં પહેલીવાર જીવંત સફેદ ઉંદર જે રાત્રે આરતીથી માંડી 12 વાગ્યા સુધી ગૌરી પુત્ર ગણેશ ની પ્રદક્ષિણા કરે છે. સાત જેટલા મૂષક અહીં રાખવામાં આવ્યા છે. ભાવિકો આ જોવા દૂર દૂરથી આવે છે.

જંગલ થીમથી પંડાલ છે શુસોભિત

જે.કે. ચોકમાં પહેલીવાર જંગલ થીમ અને આખો એસી ડોમ ઊભો કરવામાં આવ્યો છે. જે કોઈ દર્શન કરવા આવે તેને જંગલમાં ગણપતિ દાદા ના દર્શન કરવા આવ્યા હોય તેવું ફીલ થાય છે. તા.19 થી 28 સુધી આ ઉત્સવ ઉજવાશે.

સોશિયલ મીડિયા દ્ધારા લાઈવ દર્શન

રોજ રાત્રે સંતવાણી, લોક ડાયરો, રામામંડળ , રાસ ગરબા જેવા  સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત પાણીપુરી સ્પર્ધા જેવા ફની આયોજનો કરી એક નવુ આકર્ષણ રાજકોટમાં ગણેશ ઉત્સવમાં ઉમેર્યું છે. રોજ રાત્રે લોકોની અહીં ભારે ભીડ જોવા મળે છે. સોશિયલ મીડિયા મારફત લાઈવ દર્શન કરાવે છે .

દેવેન્દ્ર જાની, (રાજકોટ)

તસવીર: નીશુ કાચા