‘ગગનયાન’ના લોન્ચિંગ માટે સજ્જ થાય છે ‘ઈસરો અમદાવાદ’

અમદાવાદઃ ભારતના ‘ગગનયાન’ અવકાશ મિશનમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું અમદાવાદસ્થિત એકમ મુખ્ય ભૂમિકા ભજવશે. આ મિશન દ્વારા ભારત અવકાશયાત્રીઓને અંતરિક્ષ સંશોધન કામગીરી માટે મોકલવાનું છે.

ઈસરો-અમદાવાદના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC)ના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું છે કે, ”ગગનયાન’ને અવકાશમાં મોકલવા માટેનું રોકેટ અન્યત્ર બનાવવામાં આવ્યું છે, પરંતુ અવકાશયાનમાંની તમામ સિસ્ટમ્સને અમદાવાદમાં ઈસરો એકમમાં જ ડેવલપ કરવામાં આવી છે. આમાં કેબિન સિસ્ટમ્સ અને કમ્યુનિકેશન સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. કેબિનમાં અવકાશયાત્રીઓ માટે ત્રણ બેઠક હશે. તેની સાથે લાઈટિંગ સિસ્ટમ અને બે ડિસ્પ્લે સ્ક્રીન હશે, જેની પર અવકાશયાત્રીઓ અનેક પ્રકારના માપદંડો પર દેખરેખ રાખી શકશે. કેબિનમાં કેમેરા સેન્સર્સ પણ મૂકવામાં આવશે જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડના સ્તરને ટ્રેક કરશે, જેથી મિશન પર રહેનાર અવકાશયાત્રીઓની સલામતી અને સુખાકારી જળવાઈ રહે. તદુપરાંત, ‘ગગનયાન’માં એક અગ્નિશામક યંત્ર પણ હશે જે કોઈ સંભવિત પરિસ્થિતિમાં કામમાં આવી શકે. ‘ગગનયાન’માં ઈન્ટરનેટ સુવિધા પણ હશે. કેમેરા અને બે ટીવી મોનિટર્સની મદદથી અવકાશયાત્રીઓ પરસ્પર સંપર્કમાં રહી શકશે અને એકબીજાને વાકેફ કરી શકશે.’

‘ગગનયાન મિશન’ દ્વારા ભારત ત્રણ અવકાશયાત્રીઓને પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટર ઉંચાઈ પર ત્રણ દિવસ માટે ભ્રમણકક્ષામાં મોકલવાનું છે. ત્રણ દિવસના મિશન બાદ અવકાશયાત્રીઓ સાથેના ગગનયાનનું હિંદ મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતરાણ કરાવવામાં આવશે. આ મિશન પાછળ ભારતનો હેતુ માનવીને રહેવા યોગ્ય સ્પેસ કેપ્સ્યૂલ (અંતરિક્ષ કેબિન) ડેવલપ કરવાનો છે.

માનવવિહોણા યાન (ટેસ્ટ વેહિકલ)ને આવતા ઓક્ટોબરના અંતભાગમાં લોન્ચ કરવામાં આવનાર છે. આ બીજી અજમાયશ હશે. ત્યારબાદ આવતા વર્ષે અવકાશયાત્રીઓ સાથે ‘ગગનયાન’ને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ સિદ્ધિ હાંસલ કરનાર ભારત દુનિયાનો માત્ર ચોથો દેશ બનશે. આ સિદ્ધિ અગાઉ સોવિયેત સંઘ, અમેરિકા અને ચીન હાંસલ કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં અવકાશની સફરે માત્ર એક જ ભારતીય જઈ આવ્યા છે અને એમનું નામ છે – વિન્ગ કમાન્ડર રાકેશ શર્મા.