ગુજરાતનું એક માત્ર મંદિર જ્યાં બાપ્પા સિંહ પર છે સવાર

ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે, ભક્તોમાં બાપ્પાના આગમનને લઈને ઉમંગ જોવા મળે છે ત્યારે વાત કરવી છે એક એવા ગણેશ મંદિરની જ્યાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની વાત સાંભળે છે. જી હાં, આ મંદિર ગુજરાતમાં જ આવેલું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામના ગણેશ મંદિરમાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની મનોકામના પૂરી કરે છે.

દાદાને પ્રસન્ન કરવા મંદિર જવાની જરૂર નથી

છેલ્લા ત્રણ દાયકાથી વર્ષથી ઢાંકના ગણપતિ મંદિરમાં આ પરંપરા ચાલી આવે છે. હવે તો આ પરંપરાના કારણે જ ઢાંકનું ગણપતિ મંદિર જાણીતું બન્યું છે. સામાન્ય રીતે ભક્તો ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરે જાય, હાથ જોડીને પ્રાર્થના કરે, બાધા આખડી રાખે. પરંતુ ઢાંકના ગણપતિ મંદિરની બાધા આખડી રાખવા માટે મંદિર સુધી જવાની જરૂર જ નથી. કારણ કે અહીં બિરાજેલા ગણપતિ દાદા પત્ર દ્વારા જ તમારી વાત સાંભળી લે છે.

પત્ર દ્વારા બાપ્પાને વીનવવાની શરૂઆત કરી

મંદિરના પૂજારી ભરતગિરી ગોસ્વામીના કહ્યા પ્રમાણે ‘આ પરંપરા એમના પિતા દયાગીરીજીના સમયથી ચાલી આવે છે. શરૂઆતમાં લોકો આશીર્વાદ મેળવવા માટે સગાઈ કે લગ્નની કંકોત્રી મોકલતા. ક્યારેક પોતાનું કામ પુરુ થાય એ માટે બાધા રાખતા. ધીરે ધીરે લોકોએ પત્ર દ્વારા ભગવાનને વીનવવાની શરૂઆત કરી. લોકોની માનતા પૂરી થઈ. અને આ સિલસિલો શરૂ થયો.’

ગણેશોત્સવમાં પત્રો વધારે આવે છે

આજે ઢાંકના આ ગણપતિ મંદિરમાં રોજના 50થી વધુ પત્રો આવે છે. ગણેશોત્સવ દરમિયાન આ આંકડો 150 સુધી પણ પહોંચે છે. જેમાં ભક્તો પોતાની માનતા લખે છે. આ પત્રો આવે એટલે પૂજારી એને એક્ઠા કરીને ગણેશજીની મૂર્તિ સામે ઉભા રહી વાંચી સંભળાવે છે, અને ભક્તોને મદદ કરવા વિનંતી કરે છે.

દાદા નથી બિરાજતા મૂષકરાજ પર

આ મંદિરની બીજી રસપ્રદ વાત એ છે કે મંદિરમાં ગણપતિનું વાહન ઉંદર નથી. સામાન્ય રીતે દરેક મંદિરમાં ગણપતિની મૂર્તિ પાસે જ મૂષકરાજ પણ હોય. પરંતુ ઢાંકના ગણેશ મંદિરમાં ગણપતિજી સિંહ પર બિરાજમાન છે. અને સિંહના વાહન ધરાવતા ગણપતિનું મંદિર ગુજરાતમાં આ એક માત્ર છે.