PM મોદીને હસ્તે રાજકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ થશે

રાજકોટઃ વડા પ્રધાન 28 મેએ રાજકોટની મુલાકાતે આવવાના છે, તેમના સ્વહસ્તે જસદણના આટકોટમાં પટેલ સમાજ ટ્રસ્ટ સંચાલિત મલ્ટી સ્પેશિયલિસ્ટનું લોકાર્ણ કરવામાં આવશે. આ હોસ્પિટલ રૂ. 40 કરોડના ખર્ચે 200 બેડની હોસ્પિટલની બનેલી છે. આ હોસ્પિટલના લોકાર્પણ પછી વડા પ્રધાન જાહેર સભાને પણ સંબોધિત કરશે. આ  હોસ્પિટલમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિતના જિલ્લાના ગરીબ દર્દીઓને નજીવા દરે સારવાર મળશે. 

વડા પ્રધાન સવારે 9.30 કલાકે રાજકોટ આવી પહોંચશે. એ પછી તેઓ આ હોસ્પિટલનું લોકાર્પણ કર્યા પછી બપોરે અમદાવાદ આવશે. ત્યાર બાદ તેઓ 4.30 કલાકે મહાત્મા મંદિરમાં સહકાર સંમેલનને સંબોધશે. ત્યાર પછી તેઓ દિલ્હી જવા રવાના થશે.

આ હોસ્પિટલમાં OPD, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ICCU, ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ, એન્ડોસ્કોપી, ફિઝિયોથેરપી, NICU, PICU, કેથલેબ સહિતના આધુનિક વિભાગો કાર્યરત થશે. મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડધારકોને વિનામૂલ્યે સારવાર અપાશે.

વડા પ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે છે તે જ સમય દરમિયાન અમદાવાદમાં IPLની બે મેચ યોજાનાર છે. શુક્રવારે ક્વોલિફાયર-2 અને રવિવારે ફાઇનલ રમાશે. આ ફાઇનલ મેચમાં વડા પ્રધાન સ્ટેડિયમમાં સંભવત હાજરી આપે એવી શક્યતા છે. જેને પગલે રાજ્ય પોલીસ વિભાગ એલર્ટ પર આવી ગયો છે.બીજી બાજુ  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. તેઓ 27 મેએ રાત્રે અમદાવાદમાં પહોંચશે. જેમાં 28 મેએ તેઓ દ્વારકાધીશનાં દર્શન કરશે.