પરીક્ષાના પેપરો લીક ન થાય એવી ફુલપ્રૂફ સિસ્ટમ ગુજરાત વિકસાવશે

અમદાવાદ- પરીક્ષાના પેપરો કદીપણ લીક ન થઈ શકે એવી ફુલપ્રૂફ સિસ્ટમ ગુજરાતમાં વિકસાવવામાં આવશે, એમ રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ની પરીક્ષા પદ્ધતિ શરૂઆતથી જ એવા પ્રકારની બનાવવામાં આવી છે કે યુનિવર્સિટીની સ્થાપનાને એક દાયકો વીતી ગયો છતાં હજી સુધી ક્યારેય પેપર લીક થવાની ઘટના બની નથી.  લીક ન થાય એવી ફુલપ્રૂફ સિસ્ટમ રોલ મોડલ તરીકે આપવા તૈયાર છીએ, એમ જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું.ઈસરો સામે શિવાનંદ આશ્રમમાં યોજવામાં આવેલી બે-દિવસીય હેકાથોનના ઉદઘાટન સમારોહમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસપ્રધાન પ્રકાશ જાવડેકરે વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સીબીએસઈમાં પેપર લીક થવાની ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે આ વખતે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનમાં પરીક્ષાના પેપર લીક થતાં અટકાવવાની સમસ્યાનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પણ મને વિશ્વાસ છે કે વિદ્યાર્થીઓ આ સમસ્યાનો પડકાર ઝીલી લેશે અને પેપર લીક ન થાય એવી ફુલપ્રુફ સિસ્ટમ વિકસાવવામાં મદદરૂપ થશે. ભારત ભલે આઈટીમાં સુપર પાવર ગણાતું હોય પણ ગુગલ, વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર વગેરેની શોધ ભારતે કરી નથી. ગયા વર્ષની હેકાથોનમાં વિકસાવવામાં આવેલી 27 એપ્લિકેશનો અમલમાં મૂકી દેવાઈ છે અને 60માંથી બાકીની એપ આગામી થોડા મહિનાઓમાં અમલમાં મુકવામાં આવશે.વિદ્યાર્થીઓના સ્ટાર્ટ અપ પ્રોજેક્ટોને આધાર આપવા સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલિસી ઘડીને તેના માટે રૂ. 100 કરોડની ફાળવણી કરી છે. ઘણા વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસના અભાવે પ્રગતિ કરી શકતા નથી. માતાપિતા, પરિવાર અને સમાજનો તમને બધાને સહયોગ છે. દૃઢ સંકલ્પ કરીને અભ્યાસ કરશો તો પ્રગતિ કરી શકશો જ. મન હોય તો માળવે જવાય. જીવનના 20 વર્ષ બરાબર ધ્યાન દઈને ભણશો તો પછી આખી જિંદગી સુખી થશો અને જીવનના આ 20 વર્ષ ફક્ત મોજમસ્તીમાં જ ગાળશો તો આખું જીવન દુઃખી થવું પડશે. હેકાથોનને સ્વામી અધ્યાત્મનાનંદજી મહારાજે ટેકનિકલ કુંભમેળા તરીકે ગણાવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]