એક ચર્ચાઃ ઇસ્ટર ખ્રિસ્તી તહેવાર છે?

ફેક ન્યૂઝના જમાનામાં નેટ પર કોણ સાચું અને કોણ ખોટું એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. સોશ્યલ મીડિયામાં પણ પ્રકાર પડી ગયા છે. ફેસબૂક અને ટ્વીટર જેવા જાહેર માધ્યમ છે, જ્યાં એક વાદનો પ્રતિવાદ પણ થાય. પરંતુ વોટ્સઅપ ખાનગી માધ્યમ બની ગયું છે અને તેના પર જે ગપગોળા ચાલે છે તેનો પ્રતિવાદ કરવો મુશ્કેલ બની ગયો છે. પ્રતિવાદ કરવા માગતી વ્યક્તિને ખબર જ ના પડે કે વોટ્સઅપના કયા ગ્રુપમાં શું વહેંચાઈ રહ્યું છે.એક સરખા વિચાર ધરાવનારા એક ગ્રુપ બનાવી નાખે અને તેમાં એક સરખું અસત્ય પીરસાતું રહે. એક જમાનામાં આ રીતે પંથો રચાતા હતા. એક ગુરુ પોતાના ચેલાઓને ભેગા કરે અને તે જ્ઞાન પીરસે તે સત્ય તરીકે સંપ્રદાયમાં ચાલ્યા જ કરે. તે સંપ્રદાયની વ્યક્તિ બહાર નીકળીને બીજું કંઈક કાને ધરે તો જ ખબર પડે કે તેઓ કુવામાં રહેતા હતા, સમંદર તો બહુ દૂર છે. તે પહેલા ગામની નદી પણ છે, જેમાં ધૂબાકા મારવાથી નવી તાજગીનો અનુભવ થાય છે.
આવી લાંબી પ્રસ્તાવના એટલા માટે બાંધવી પડી કે નવું માધ્યમ ઊભું થાય ત્યારે તેના ફાયદા કરતાં ગેરફાયદા વધુ લેવાય છે. નેટ ખુલ્લું માધ્યમ છે અને તેમાં સૌ પોતપોતાના અસત્યનો મારો ચલાવે, પણ તેમાં સત્યાસત્યનો પછી ભેદ પારખવો મુશ્કેલ બની જાય છે. ઇસ્ટરના તહેવાર વિશે આવું જ કશુંક થઈ રહ્યું છે. ઇસ્ટરના તહેવાર વિશે નેટ પર બંને તરફી એટલી બધી વાતો છે કે કોઈ એકને સત્ય તરીકે તારવવું શક્ય નથી.

ભોળી પ્રજા ના જાણે તે વાત પ્રજાને જણાવવા માટેનું માધ્યમ ઇન્ટરનેટ છે, તેમ સમજીને જૂની રૂઢિઓનો વિરોધ બહુ ચાલ્યો. કેવી રીતે ખોટી પરંપરાઓ ઊભી થઈ છે તેવું સમજુ લોકોએ સમજાવવાની કોશિશ કરી. હવે વળતો પ્રવાહ શરૂ થયો છે અને પરંપરાને વખોડી કાઢનારા લોકો જૂઠ્ઠા છે અને જૂઠ્ઠું ભણાવી રહ્યા છે તેવી વાતો બમણાં જોરથી વહેતી થઈ છે.ઇસ્ટર ખ્રિસ્તીઓનો એક મહત્ત્વનો તહેવાર. વસંતના આગમન વખતે તે ઉજવાય છે. તેમાં ઇંડાને ચીતરવાની વગેરે વિધિઓ પણ છે. આવી વિધિ આયોજનબદ્ધ ખ્રિસ્તી ધર્મમાં ના હોય તેવું સહજ લાગે. તેથી ધીમે ધીમે એવી વાતો વહેતી થયા કરતી હતી કે ઇસ્ટર એ મૂળ પ્રાચીન પરંપરા છે અને ખ્રિસ્તી ધર્મના આગમન પછી તેને સમાવી લેવાયો. લોકોએ જૂની માન્યતાઓ છોડીને નવો ધર્મ અપનાવ્યો, પણ જૂના રીતરિવાજો અને ખાસ કરીને ઉત્સવો જલદી ભૂલાતા નથી. ધર્મગુરુઓ વચલો રસ્તો કાઢે. તે જૂના ઉત્સવને નવા ધર્મના ઢાંચામાં ઢાળી દે.

આવા લોજિક સાથે ઇસ્ટર એ પેગાન પરંપરા છે એવું કહેવાતું રહેતું હતું. પેગાન એટલે અનેક દેવીદેવતામાં માનતા લોકો. ખ્રિસ્તી, યહુદી અને ઇસ્લામ તેમને અધર્મી જ સમજે છે. કુદરતને પૂજનારા અને આત્મામાં માનનારા અને પુનઃજન્મમાં માનનારા સૌ અસલી ધર્મ જાણતા નથી, તેથી અધર્મી છે. તેમનો આ પ્રાચીન તહેવાર હતો, જેમાં ફળદ્રુપતાની ઉજવણી થતી હતી. વસંતના આગમને ઉત્સવ હતો એટલે જાતિયતાની ઉજવણી થતી હતી. કામ વિના જીવન સંભવ નથી એ સૌ જાણે છે, પણ બધા ધર્મો કામથી બહુ ડરે છે. તેથી કામની જગ્યાએ પછી પ્રેમ અને અલૌકિક પ્રેમના પ્રતિકો ગોઠવી દેવાય છે. તે રીતે ઇસ્ટરના તહેવારમાં ઇંડુ અને સસલું પ્રતીક તરીકે ગોઠવાયા છે.

આ બધી વાતો વચ્ચે હવે નેટ પર એવા લેખોનો મારો ચાલ્યો છે કે આ બધું ખોટું છે. ઇસ્ટર એ ખ્રિસ્તીઓનો જ તહેવાર છે. ઇંડુ એ ઇસુ ખ્રિસ્ત કબરમાંથી ફરી પાછા જીવિત થયા તે ઇંડામાંથી જન્મનું પ્રતીક છે વગેરે. નાસ્તિક લોકો ખોટી વાતો ફેલાવી રહ્યા છે માટે તેમની વાતો માનશો નહિ અને ઇસ્ટર એ પ્રાચીન અસિરિયાની દેવી એસ્ટોર વગેરેનું રૂપ નથી વગેરે.

એ વિગતો બહુ લાંબી છે તે ટૂંકમાં આપી શકાય તેમ નથી. પણ વળતા પ્રહારરૂપે પણ એટલી જ જોરદાર રીતે ઇસ્ટરના તહેવારનો બચાવ થઈ રહ્યો છે તે જાણવું રસપ્રદ છે. કઈ રીતે ફેક ન્યૂઝની જેમ ફેક માહિતી પણ ચાલી શકે તેનો આ નમૂનો છે.

ઇસ્ટર ખ્રિસ્તી તહેવાર જ છે તેને સાબિત કરવા માટે કેટલાકે તો બહુ લાંબું સંશોધન પણ કર્યું છે. તેમાં એવું પણ શોધી કાઢવામાં આવ્યું કે એક પ્રોટેસ્ટન્ટ પાદરીનું આ કાવતરું હતું. 19મી સદીમાં સ્કોટલેન્ડના ફ્રી ચર્ચના પાદરી (મિનિસ્ટર) એલેક્ઝાન્ડર હિસ્લોપ કેથલિક પંથના ઘોર વિરોધી હતી. 1807થી 1865માં થઈ ગયેલા આ પાદરી એમ માનતા હતા કે પોતાના જેવા પ્રોટેસ્ટન્ટ જ અસલી ખ્રિસ્તીઓ છે, જ્યારે કેથલિક ચર્ચે ઇસુ ખ્રિસ્તના ઉપદેશને પચાવી પાડ્યો છે. ઇસુના નામે કેથલિક પંથીઓ બેબિલોન વખતના ખાનગી રહસ્યમય નિમરોડના પંથ જ પાળી રહ્યા છે. નિમરોડ પણ પેગન પરંપરાનું પાત્ર છે. સેતાને ખ્રિસ્તી ધર્મને સમ્રાટ કોન્સ્ટેન્ટાઇનના હાથમાં આવવા દીધો અને તેને ફરીથી મૂર્તિપૂજાના માર્ગે ચડાવી દીધો. તેથી જ ઇસ્ટર જેવા તહેવારો મનાવાનું ચાલુ રખાય છે.જાણકારો કહે છે કે પ્રોટેસ્ટન્ટ પાદરીના આવા વલણથી ઇસ્ટર અને તેના જેવી કેટલીક પરંપરાને, જે કેથલિક લોકો વધારે પાળે છે તેને પેગાન ગણાવવા કોશિશ ચાલતી આવી છે. નેટના જમાનામાં તેનો વ્યાપ બહુ વધી ગયો.
બીજું ઇસ્ટર કે ઇઓસ્ટર નામની કોઈ દેવી પેગનમાં નહોતી તેવું પણ સાબિત કરવા કોશિશ થઈ રહી છે. ઇઓસ્ટરનો મૂળ ઉલ્લેખ માત્ર એક વાર બહુ પ્રાચીન સાહિત્યમાં થયો છે અને તે પણ અસ્પષ્ટ છે એમ જણાવાય છે. ઇસવી સન 725માં અંગ્રેજ પાદરી અને વિદ્વાન બેડે થઈ ગયા. તેમણે લખેલા સાહિત્યમાં જુદા જુદા મહિનાઓને સમજાવવા તેમણે ઇઓસ્ટરનો ઉલ્લેખ કર્યો છે. ઇસ્ટર ક્યારે મનાવવો જોઈએ તે સમજાવવા માટે તેમણે મહિનાઓના નામ કેમ પડ્યા અને શા માટે પડ્યા તે સમજાવ્યું હતું. ઇસ્ટર યહુદીઓના પાસઓવર તહેવાર વખતે પડે છે તે પણ અલગ મુદ્દો છે. બેડેએ લખ્યું હતું કે મહિનાઓના નામ ખેતીની પદ્ધતિ પ્રમાણે થતા હતા. ઓગસ્ટ એટલે વીડ (Weodmonath) નિંદામણનો મહિનો. મે મહિનો એટલે (Thrimilcemonath) ત્રણ વાર દોહવાનો મહિનો. યુરોપમાં વસંત ખીલી હોય એટલે દૂધાળા ઢોર બહુ જ દૂધ આપે તેથી તેનો મહિનો. Halgemonath એટલે પવિત્ર સપ્ટેમ્બર મહિનો. તે વખતે લણણી થાય પછી ઘણી વિધિઓ થતી તેથી પવિત્ર વિધિઓનો મહિનો. એ જ પ્રમાણે Eostremonath એટલે ઇઓસ્ટર દેવીનો મહિનો. ફળદ્રુપતાની દેવીનો મહિનો એપ્રિલ. યુરોપમાં એપ્રિલમાં શિયાળા પછી બરફ ઓગળ્યો હોય અને વાતાવરણ ખીલ્યું હોય એટલે જાતિયતાનો પણ મહિનો ગણાય.

આવા બધા તર્ક આપીને એવું સાબિત કરવાની કોશિશ થઈ છે કે બેડેએ માત્ર એક જ વાર ઇઓસ્ટરનો અછડતો ઉલ્લેખ કર્યો છે. તેમાં પણ આવી માન્યતા છે એમ તેમણે લખ્યાનો દાવો થાય છે. બીજા લોકોએ પછી તેમનો આધાર લઈને ઇસ્ટર દેવી વિશે વાતો લખી છે, માટે ઇસ્ટર જેવી કોઈ દેવી પેગન વખતે પણ ખાતરીપૂર્વક નહોતી. ઇતિ સિદ્ધમ્.
પેગનની કોઈ ઇસ્ટર દેવી હતી જ નહિ અને તેથી ઇસ્ટર એ કોઈ અધર્મી લોકોનો ધર્મ નહોતો અને તે અસલી ખ્રિસ્તી ધર્મનો જ અને ઇસુ ખ્રિસ્ત સાથે જોડાયેલો તહેવાર છે એવું સાબિત કરવા માટે બહુ જોરશોરથી સોશ્યલ મીડિયામાં માહિતીનો મારો ચાલ્યો છે. આપણે આ બાજુનું પણ ના માનવું, પેલી બાજુનું પણ ના માનવું. એટલે તમે અને અમે, આપણે સમજુ. ઇતિ સિદ્ધમ્.