શી જિનપિંગે પ્રભાવ પાથરવાની શરૂઆત કરી દીધી છે

ત્તર કોરિયામાં ભારતની સીધો રસ ના પડે, પરંતુ ઉત્તર કોરિયાના કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ થશે અને તેના કારણે શેરબજાર તૂટી પડશે એવા સમાચારના કારણે ગુજરાતીઓને ચિંતા થાય. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બન્યા છે ત્યારે કશી નવાજૂની કરવાના મૂડમાં છે. ઇમિગ્રેશનમાં મુશ્કેલી કરી રહ્યા છે, તેમાંથી ગુજરાતીઓ રસ્તો કાઢે તે ખરા, પણ ઉત્તર કોરિયા સામે લડાઈ કરી નાખે તો વિશ્વના અર્થતંત્રમાં હલચલ મચી જાય. તેથી ઉત્તર કોરિયા અને તેના ભેજાગેપ શાસક કિમ જોંગ-ઉન શું કરી રહ્યા છે તે જાણવામાં ગુજરાતીઓ સિવાય અન્ય લોકોને પણ રસ પડે.

કિમ જોંગ-ઉન દાદાની ગાદીએ બેસી ગયેલો ત્રીજી પેઢીનો શાસક છે. દાદાએ કોરિયાની આઝાદીની લડાઈમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો. તેનો લાભ પૌત્રને મળે. પણ ભારતમાં લોકશાહી હોય ત્યારે જીતીને આવવું પડે. ઉત્તર કોરિયામાં વગર ચૂંટણી લડ્યે કિમ શાસક બન્યો તે પછી અણુ કાર્યક્રમને આગળ વધાર્યો છે. અણુશસ્ત્રોને અટકાવવા માટે અમેરિકાએ તેના પર પ્રતિબંધો મૂક્યા છે. પ્રતિબંધોની અસર થઈ હશે અથવા અન્ય કારણો પણ હોઈ શકે, પણ કિમ જોંગ-ઉનનું વલણ બદલાયેલું છે. અણુક્ષમતાના મુદ્દે અમેરિકા સાથે વાતચીત કરવાની પણ તેમણે તૈયારી બતાવી છે.
આ તૈયારી પછી અમેરિકના પ્રમુખ સાથે કિમ જોંગ-ઉનની મુલાકાત થાય ત્યારે ખરી, પણ ગયા અઠવાડિયે ચીનના પ્રમુખને તેઓ મળી આવ્યા છે. ચીનના પ્રમુખ તરીકે શી જિનપિંગ હવે આજીવન રહેવાના છે ત્યારે તેમને અભિનંદન આપવા ઉપરાંત તેમની સાથે અગત્યની ચર્ચાઓ કરવા માટે કિમ બીજિંગ પહોંચી ગયા હતા. આ મુલાકાત આમ ખાનગીમાં થઈ હતી અને પાછળથી જાહેર કરાયું કે તેઓ ચીનની મુલાકાતે ગયા હતા ખરા.

આ મુલાકાત અગત્યની બની જાય છે, કેમ કે ચાર વર્ષ પૂરા થશે ત્યારે ટ્રમ્પ ફરી પ્રમુખ હશે નહિ તે નક્કી નથી, પરંતુ આ બંને પોતપોતાના દેશના પ્રમુખપદે રહેવાના જ છે. અમેરિકાના પ્રતિબંધ છતાં ચીન ખાનગીમાં ઉત્તર કોરિયાને મદદ કરતું હતું તે વાત અજાણી રહી નથી. અમેરિકાએ તેના કારણે કેટલીક ચીની કંપનીઓ સામે પણ પ્રતિબંધો મૂક્યા. ચીનથી આયાત થતી વસ્તુઓ પર કસ્ટમ્સ લગાવી તેના કારણે બંને દેશો વચ્ચે ટ્રેડ વૉર ચાલુ થયું છે.
તેના કરતાં વધારે ચિંતાની વાત કોરિયાની ભૂમિ પર યુદ્ધ ના થાય તેની છે. કિમ જેટલી જ ચિંતા શી જિનપિંગને પણ છે, કેમ કે કાર્યવાહી કરવાના બહાને બે કે ત્રણ લાખ અમેરિકન સૈનિકો દક્ષિણ કોરિયામાં આવી જાય તે સ્થિતિ ચીનને ચિંતાજનક લાગે. ચીન આવી સ્થિતિ પેદા ના થાય તે માટે પ્રયત્નોમાં છે. જાણકારો એવું પણ કહે છે કે ચીનની સલાહ અનુસાર જ ઉત્તર કોરિયાએ વલણ બદલ્યું છે અને ઢીલું કર્યું છે અને અણુક્ષમતાના મુદ્દે વાટાઘાટો કરવા માટે તૈયારી દાખવી છે. વાટાઘાટો ચાલતી હોય તો અમેરિકા પાસે દળો મોકલવાનું કોઈ બહાનું રહે નહિ.

કિમ જોંગ-ઉન ગયા રવિવારે ચીન પહોંચ્યા હતા અને બુધવાર સુધી ત્યાં જ હતા. તેમની મુલાકાતને બિનસત્તાવાર મુલાકાત ગણાવાઈ રહી છે. ચીને બુધવારે નિવેદન બહાર પાડીને કિમની હાજરીની પણ દુનિયાને જાણ કરી તથા એ જાણ કરી કે ઉત્તર કોરિયા બિનઅણુપ્રસરણ માટે તૈયાર છે. આ પછી ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સીએ પણ તસવીરો તથા સમાચારો આપ્યા હતા. કિમના નામે નિવેદન બહાર પડાયું કે અમે બિનઅણુપ્રસરણ માટે પ્રતિબદ્ધ છીએ. મારા પિતા અને દાદાની ઈચ્છાનુસાર આમ થશે એમ પણ તેમણે કહ્યું હતું.

કિમ 2011માં સત્તા પર આવ્યા પછી પ્રથમવાર વિદેશ યાત્રા કરી અને તેમાં તેમના પત્ની રી સોલ જુ પણ સાથે હતા. જોકે માત્ર કર્ટસી વિઝિટથી આ મુલાકાત વધારે મહત્ત્વની હતી એમ લાગે છે, કેમ કે દક્ષિણ અને ઉત્તર કોરિયા વચ્ચે શીખર પરિષદ યોજાય તે માટેની તૈયારીઓ પણ ચાલી રહી છે. ચીન તેમાં મધ્યસ્થી કરે તેવી ઇચ્છા ઉત્તર કોરિયાની છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા લગાવાયેલા પ્રતિબંધોમાં ચીન પણ કમને જોડાયું હતું અને તેના કારણે આમ એવો દેખાવ કરવામાં આવે છે કે છેલ્લા કેટલાક સમયથી બંને દેશોના સંબંધો બગડ્યા છે. પણ ચીન પોતાના આ પડોશી દેશમાં શું ચાલી રહ્યું છે તેની અવગણના કરી શકે નહિ.

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ચીનની બિનસત્તાવાર મુલાકાતે ગયા છે. 27 માર્ચ, મંગળવારે ચીનના પાટનગર બીજિંગમાં એમણે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતેની એ મુલાકાત વખતે શી જિનપિંગના પત્ની પેન્ગ લીયૂઆન અને કિમ જોંગ ઉનના પત્ની રાઈ સોલ જુ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

મહાસત્તા બનવા માટેની શી જિનપિંગની ઇચ્છા હવે અજાણી રહી નથી. રશિયાના પ્રમુખ પુટિને ક્રિમીયાને પોતાનામાં ભેળવી દઈને તાકાત બતાવી છે, પણ શી જિનપિંગ તેનાથી વધુ કશુંક કરવાના મૂડમાં છે. દક્ષિણ ચીન સમુદ્રમાં તેમણે જમાવટ કરી છે. ભવિષ્યમાં ત્યાંના દેશો સાથે વાટાઘાટો કરવાની વાત આવે ત્યારે પોતાનો હાથ ઉપર રહે તેવી ચીનની ગણતરી છે. એવી ભૂમિકા પોતે ભજવી શકે છે તેવું દેખાડવા માટે બન્ને કોરિયા વચ્ચે સમાધાન કરવામાં ચીનની ભૂમિકા હોવી જોઈએ. અમેરિકા આવીને ઉકેલ લાવે તેના બદલે બિજિંગ આ બે દેશો વચ્ચે મધ્યસ્થી કરવા માગે છે તે સ્પષ્ટ છે.

એપ્રિલના અંત ભાગમાં શિખર મંત્રણા યોજાવાની છે. કિમે અમેરિકાના પ્રમુખને મળવાની વાત પણ કરી છે. આ મહિના દરમિયાન બંને વચ્ચે મુલાકાત થાય છે કે કેમ તેના પર દુનિયાની નજર રહેશે. જોકે અમેરિકા હવે એ વિચારીને ચાલશે કે કિમ અને શી વચ્ચેની મુલાકાતમાં શું વાતચીત થઈ હશે અને બંને દેશો હવે આ દિશામાં કઈ રીતે આગળ વધે છે.

આ વિસ્તારમાં તંગદિલી ઓછી થાય અને શાંતિ માટેની વાટાઘાટો આગળ વધે તે પ્રકારના પગલાં અમે લીધા છે તેવું કિમે ચીનના પ્રમુખને કહ્યું હોવાનું સરકારી સમાચારોમાં જણાવાયું છે. અમારી પહેલને દક્ષિણ કોરિયા અને અમેરિકા સાનુકૂળ પ્રતિસાદ આપે તો આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા શક્ય છે એવું કિમે કહ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

સામી બાજુએ શી જિનપિંગે પણ દુનિયામાં એકલા પડી ગયેલા દેશ સાથે ચીન પોતાના સંબંધો જાળવી રાખશે એવી ખાતરી આપી હોવાનું જણાવાયું હતું. બંને દેશોના લોકો વચ્ચે ઐતિહાસિક સંબંધો રહ્યા છે અને ભવિષ્યની પેઢી પણ તેને આગળ વધારશે તેવો સાર બંને દેશોના નિવેદનોમાં રહ્યો છે.

આ મુલાકાતની વાત જાહેર થઈ હોત ખરી કે મુલાકાત ખાનગી જ રખાઈ હોત તે કહેવું મુશ્કેલ છે. કેમ કે રવિવારે ચીન પહોંચેલા કિમ જોંગ-ઉનની હાજરી બુધવારે જ સ્વીકારવામાં આવી હતી. આ સમાચાર પણ જાપાનમાંથી પહેલાં આવ્યા હતા. ઉત્તર કોરિયામાંથી એક સ્પેશ્યિલ ટ્રેન ચીનના સરહદે આવેલા શહેર ડેનડોંગ પહોંચી છે. તેમાં કદાચ ઉત્તર કોરિયાનું ઉચ્ચ કક્ષાનું ડેલિગેશન હશે તેવું જાપાનની ક્યોડો ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું. આ ઉપરાંત બીજિંગના મશહૂર ગ્રેટ હોલ ઓફ પિપલની પાસે ઉત્તર કોરિયાની એમ્બેસી કાર જોવા મળી હતી. આ બધા સમાચારો પછી બંને દેશોની સરકારી સમાચાર એજન્સીઓએ સત્તાવાર રીતે નિવેદનો જાહેર કર્યા હતા.

મુલાકાત બિનસત્તાવાર થાય કે સત્તાવાર રીતે, જાહેરમાં થાય કે ખાનગીમાં, મહત્ત્વ એનું છે કે તેનું પરિણામ શું આવે છે. શી જિનપિંગ પોતાની આસપાસ પોતાનો પ્રભાવ ક્ષેત્ર છે તે જાહેર કરી શક્યા છે. અમેરિકન પ્રમુખ સાથે મુલાકાત થાય ત્યારે ખરી, અત્યારે કિમ શીને મળી આવ્યા છે. એપ્રિલમાં બંને દેશો વચ્ચેની શિખર મંત્રણામાં દક્ષિણ કોરિયા તરફથી અમેરિકાનો પ્રભાવ હશે તો ઉત્તર કોરિયા તરફથી ચીનનો પ્રભાવ હશે તે નકારી શકાશે નહિ. તેથી શિખર મંત્રણામાં શું થશે તેનો આધારે બંને દેશોના પોતપોતાના હિત કરતાં અમેરિકા અને ચીનના હિત વચ્ચેની ટક્કર પ્રમાણે થશે તેમાં શંકાને સ્થાન નથી.