12 દિવસના 65 કરોડ રૂપિયા – અવકાશી હોટેલનું ભાડું

ભારતના લોકો મુંબઈને મોહમયી કે પછી સપનાની નગરી કહે છે. ઊંચા સપનાં જોનારા લોકો મુંબઈ પહોંચી જાય છે, સંઘર્ષ કરે છે અને એકાદ સફળ પણ થઈ જાય છે. પણ આ ઊંચા સપનાં એટલે કમાણી, ફિલ્મમાં સ્ટાર બનવું અને સ્ટાર બનીને જશની કમાણી કરવી. અમેરિકા દુનિયાના લોકો માટે સપનાંનો દેશ છે, કેમ કે અમેરિકા જે સપનાં દેખાડી શકે તે કોઈ ના દેખાડી શકે. જેમ કે અવકાશમાં એક લક્ઝરી ફાઈવ સ્ટાર હોટેલ હોય અને તેમાં રહેવા મળે તો કેવી મજા પડે! નો પ્રોબ્લેમ, 80,000 ડૉલર આપીને એડવાન્સ બુકિંગ કરાવી લો, કેમ કે ફક્ત ચાર જ લોકો રહી શકે તેટલી નાનકડી આ હોટેલ છે. છે એટલે કે તૈયાર થવાની છે. એ પણ એક સપનું છે, એક સ્ટાર્ટ અપનું.આપણે ત્યાં તેને ધોળા દિવસે તારા દેખાડવું એવું કહેવાય. અમેરિકાનો એક એન્ટ્રપ્રન્યોર લોકોને ખરા અર્થમાં દિવસે તારા દેખાડવા માગે છે. તમે અવકાશમાં આવેલી હોટેલમાં રહીને દિવસે પણ દૂર રહેલા તારા અને તારામંડળો પાવરફૂલ દૂરબીનથી જોઈ શકો. અમેરિકાના લોકો આવા સપનાને ગંભીરતાથી લે છે. ઓરિયોન સ્પાન નામની બાકાયદા કંપની ખુલી ગઈ છે. સ્ટાર્ટ-અપના સીઈઓ ફ્રેન્ક બન્ગર કહે છે કે 2022માં અમે અમારી આ અવકાશી હોટેલ ખોલી નાખીશું.

આ વાત અશક્ય નથી ને એટલી અઘરી પણ નથી. અમેરિકા, રશિયા અને ચીનના સ્પેસ સ્ટેશન (જે તૂટી પડ્યું) અવકાશમાં સ્થાપિત થયેલા છે, જ્યાં સતત વિજ્ઞાનીઓ અને સંશોધકો કહે છે. આ એસ્ટ્રોનોમર્સ ત્યાં રહીને પ્રયોગો કરે, જ્યારે ઓરિયોન સ્પાનના ગ્રાહકો ત્યાં જઈને ગુરુત્વાકર્ષણથી મુક્ત હવામાં ઊડતા હોય તે રીતે વિહરવાનો રોમાંચ લેશે. ઇલોન મસ્કની સ્પેસએક્સ નામની કંપની મંગળમાં વસાહત સ્થાપવાની તૈયારી કરી રહી છે. નાસાનું વધુ એક માર્સ મિશન જવાની તૈયારીમાં છે. ભારતનું મંગળયાન મંગળ ગ્રહની ફરતે ભ્રમણ કરી રહ્યું છે. અમેરિકાનું યાન મંગળની ભૂમિ પર લેન્ડ થવાનું છે. ભવિષ્યમાં સમાનવ યાન મંગળ પર લેન્ડ થશે તેની ખાતરી સ્પેસ એક્સપર્ટ્સને છે.

મંગળ પર જવાની વાત હોય ત્યારે અવકાશમાં વિહરવાની વાત સહજ લાગવી જોઈએ. જોકે માત્ર 80,000 ડોલરમાં આકાશી હોટેલમાં રહેવા મળે એટલું સસ્તું આ નથી. આ તો એડવાન્સ છે, કુલ બીલ સાડા નવ લાખ ડોલર આવશે તેવું અનુમાન છે. દસ લાખ ડોલર જ સમજી લોને, કેમ કે ચાર વર્ષમાં ફુગાવો પણ આવશે. હવે તેને ડોલરના ભાવ પ્રમાણે ગુણાકાર કરીને ગણી લો કે કેટલા રૂપિયા થાય. ઠીક છે, લો અમે ગણી આપીએ – 10,00,000 x 64.80 = 64,86,00,000 (ચોસઠ કરોડ, 86 લાખ રૂપિયા પુરા).

આટલા રૂપિયામાં આખું આયખું નીકળી જાય અને અવકાશી નહીં, પણ દુબઈની દોઢસો માળની આકાશી હોટેલમાં વર્ષોના વર્ષો રહી શકાય. પણ આ અમેરિકા છે, જ્યાં માનવજાત હરણફાળ ભરી શકે તેવા સપનાં જોવા રિવાજ છે. 12 દિવસ રહેવાનો આટલો ખર્ચ માથાદીઠ આવશે.

લૉ અર્થ ઓર્બિટ એટલે કે પૃથ્વીની નીચેની ભ્રમણકક્ષામાં સ્પેસસ્ટેશન સ્થાપી દેવાનું અને તેની અંદર લેબોરેટરીના બદલે હોટેલ જેવો માહોલ ઊભો કરવાનો – બસ આટલો સિમ્પલ આઇડિયા છે. તે આઇડિયાને હવે ધનિક લોકોમાં વેચવાનો છે. 12 દિવસની યાદગાર અવકાશી સફર કરવા માટે 64 કરોડ રૂપિયા ખર્ચી નાખનારા દુનિયામાંથી મળી રહેશે. સવાલ માર્કેટિંગનો છે અને માર્કેટિંગમાં પણ અમેરિકન માહેર હોય છે, કેમ કે સપનાંનું માર્કેટિંગ કરવાનું હોય છે.
ફ્રેન્ક બન્ગર કહે છે કે દરેક ટ્રીપમાં છ જણ જશે. તેમાંથી બે કંપનીના એક્સપર્ટ એસ્ટ્રોનોમર હશે. ચાર મહેમાન કે એક ફેમિલી સાથે જઈ શકે, જે ત્યાં 12 દિવસ રહે અને પૃથ્વી પર પાછું ફરે. વારેવાર યુઝ કરી શકાય અને અવકાશમાં જઈને પરત ફરે તેવું યાન વર્ષોથી અમેરિકા વાપરે છે. ભારત પણ તેની તૈયાર કરી રહ્યું છે, કેમ કે ચંદ્રાયનનું મિશન ભારત પોતાના લોકો વધારે મોટા સપનાં જોઈ શકે તે માટે કરવા માગે છે. ઇલોન મસ્કની ખાગની કંપની સ્પેસએક્સ વારેવારે વાપરી શકાય તેવા રોકેટ બનાવે છે. તેના કારણે રોકેટ દ્વારા લોન્ચનો ખર્ચ ઓછામાં ઓછો કરવાની ગણતરી છે. ઇલોન મસ્ક તો મંગળ ગ્રહ સુધીના ફેરા મારવા માગે છે. તેથી દરેક યાત્રા સસ્તી કરવી પડે.

ફ્રેન્ક બન્ગરની કંપની ઓરિયોન સ્પાન પોતે રોકેટ બનાવવાની નથી. જરૂર પણ નથી, કેમ કે સ્પેસએક્સ ઉપરાંત યુનાઇટેડ લોન્ચ અલાયન્સ, બ્લ્યૂ ઓરિજિન, બોઇંગ, લોકહિડ માર્ટિન અનેક કંપનીઓ રોકેટ લોન્ચ કરવાનું કામ કરે છે. ભારતના ઇસરોને પણ તેમાં સારી સફળતા મળી છે. ખૂબ સસ્તામાં ઇસરો દુનિયાના દેશોના ઉપગ્રહોને હવામાં તરતા મૂકી શકે છે. ભારતે જીએસએલવી રોકેટ પણ પરફેક્ટ કરી લીધું છે અને ક્રાયો એન્જિનની ટેક્નોલોજી સ્વંય વિકસાવી લીધી છે. ભારત પણ સ્પેસ સ્ટેશન તરતુ મૂકીને ત્યાં નિયમિત આવજા થઈ શકે તેવી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તેમ છે, પણ તેની પાછળ ખર્ચ સામે ફાયદો શું તે ગણતરી કરવી પડે. અમેરિકા, રશિયા, ચીનની જેમ ભારત માત્ર દેખાડા ખાતર અબજો રૂપિયા વેડફી શકે નહિ. યુરોપના વિકસિત દેશો એટલે જ સ્પેસમાં બિનજરૂરી દેખાડાના ખર્ચ કરી રહ્યા નથી.

પણ અમેરિકા સપનાંનો દેશ છે અને ત્યાં દેખાડો અને દેખાદેખી જરૂરી છે. ઇર્ષા અને દેખાદેખીને અમેરિકાએ ફાઇન ટ્યુન કરી છે. માનવીય ઇચ્છાઓને પાંખો ફૂટે તો તેને સાકાર કરવા કંપનીઓ ફૂટી નીકળે. તેમાંથી અનેક ફૂટી જાય, પણ એક સફળ થાય. સરકારી સહાયથી કશું ના થાય. ખાનગી સેક્ટરમાં તમારી ત્રેવડ હોય તેવા સ્ટાર્ટ-અપ કરો. આકાશ સુધી પહોંચો ને નિષ્ફળ જાવ તો ધૂળમાં પડીને, ખંખેરીને ઊભા થઈ જવાનું. એક બે નિષ્ફળતાથી જીવન ખતમ થઈ જતું નથી. નાસા કોન્ટ્રેક્ટ આપીને રોકેટ તૈયાર કરે તેના કરતાં ઓછા ખર્ચે અને વધારે પાવરફૂલ રોકેટ બનાવવા માટે ઇલોન મસ્કે પોતાના પેપાલ નામના સાહસમાંથી મળેલા નાણાંને લગાવી દીધા હતા. આપણે જેને મરણમૂડી ગણીને સાચવી રાખીએ છીએ, તેને અમેરિકન ડ્રીમર જીવનમૂડી ગણીને વાપરી કાઢવાનું સાહસ કરે છે. કરી શકાય છે, કેમ કે જીવનની પાયાની જરૂરિયાતોની ચિંતા કરવાની કલ્પના પણ ત્યાં રહી નથી.

ભારતની પોતાની સમસ્યાઓ છે. જીવનની પાયાની જરૂરિયાતોની ચિંતા હજીય કરવી પડે છે. ઉદ્યોગપતિએ પણ એક કંપની નિષ્ફળ જશે તો શું થશે તેની ચિંતા કરવી પડે છે. જોકે તેનો અર્થ એ નથી કે માલ્યા અને નિરવ મોદી પેદા કરીએ, જે ધંધામાં નિષ્ફળ જાય ત્યારે અબજોનું કરીને જાય. અબજોનું નુકસાન કરી શકવાની ક્ષમતા પેદા કરવાની જરૂર છે, જેથી ગોટાળા ના થાય, પણ સાહસ કરીને નુકસાન ભોગવી શકાય. ભારત તે સ્થિતિથી બહુ દૂર નથી. ચંદ્રયાન અને મંગળયાન મોકલી શકીએ તેમ છીએ, પણ તેની સાથે ગંગાજળ મોકલવાની ઈચ્છામાંથી બહાર આવીને આકાશગંગાનું જળ પીવાની ઈચ્છા તરફ જવાનું છે.