અગ્નિકાંડના આરોપીઓને નહીં મળે જામીન..

રાજકોટ: રાજકોટમાં 25મી મેના રોજ TRP ગેમ ઝોન કેટલાક અધિકારીઓની લાલચની આગમાં સળગી ઉઠ્યું હતું. જેમાં 27 મામૂસોમો હોમાયા હતા. બાંધકામ મંજુરી વગર અને આગ લાગે તો અનેકના મૃત્યુ થાય તેવી સો ટકા સંભાવના હોવાની જાણકારી હોવા છતાં ગેમઝોન ચાલુ કરનાર તેના માલિકો-ભાગીદારો અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાએ રાજકોટ સેસન્સ કોર્ટમાં કરેલી જામીન અરજીને આજે અદાલતે ફગાવી દીધી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટ દુર્ઘટનાના આરોપીઓ  અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાએ રાજકોટ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. ત્યારે આરોપીઓ તરફી વકિલે અશોકસિંહ આંધળા-બહેરા હોવાનું અને સ્લીપીંગ પાર્ટનર હોવાની દલીલો કરી હતી. જ્યારે ફરિયાદી પક્ષના વકીલે આરોપીઓ 2021થી ગેરકાયદેસર ગેમઝોન ચલાવતા હતા. અગ્નિશામક સાધનો નથી, એન્ટ્રી-એક્ઝીટ અલગ નથી અને અંદર બાળકો વગેરે છે, તથા વેલ્ડીંગ કામ કરવાથી તીખારો પડતા આગ ભભુકી ઉઠે અને માણસો મૃત્યુ પામે તે નફાખોરીના હેતુથી ગેમઝોન ચલાવતા હતા. આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા નોટિસ આપ્યા છતાં તે દૂર કરાયેલ નહીં. તેમજ વર્ષ પહેલા આગ લાગ્યા છતાં ફાયર સેફ્ટીના સાધનો વસાવીને એન.ઓ.સી. લીધું ન્હોતું. આ સ્થળ પાસે આરોપીઓની ઓફિસ હતી અને ગેમઝોન પર તેમનો અંકુશ અને મોનીટરીંગ હતું.

બંન્ને પક્ષોની રજૂઆતો સામે એડી. સેસન્સ જજ એસ.ડી.સુથારે જામીન અરજી ના મંજુર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ અગ્નિકાંડમાં આરોપીઓ અશોકસિંહ અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા ઉપરાંત ધવલ ભરતભાઈ ઠક્કર અને રેસવે એન્ટરપ્રાઈઝના ભાગીદારો પ્રકાશચંદ્ર કનૈયાલાલ હીરણ, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ તથા તપાસાં ખુલે તે અન્ય સામે જે તે દિવસે જ પી.એસ.આઈ.પ્રજ્ઞોશ ભીખાભાઈ ત્રાજ્યાની ફરિયાદ પરથી ગુનો નોંધાયો છે.