રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂએ વરસાવ્યો કહેર, લોકો ત્રાહીમામ…

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે સ્વાઈન ફ્લૂએ પોતાનો કહેર વરસાવ્યો છે. રાજ્યમાં કુલ 59 જેટલા સ્વાઈન ફ્લૂના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 135થી વધારે કેસ સ્વાઈન ફ્લૂના નોંધાયા છે. કડકડતી ઠંડીમાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં સ્વાઇન ફ્લૂનાં વધુ 2 કેસ સામે આવ્યા છે. રીપૉર્ટ પોઝિટિવ આવ્યા બાદ દર્દીને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

તો આ તરફ રાજકોટમાં વધુ 5 દર્દીઓનાં રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો એક દર્દીનું સ્વાઇન ફ્લૂનાં કારણે મોત થયું છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનાં કારણે મૃત્યુઆંક 18 પર છે. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂનાં કારણે એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે છેલ્લા 30 દિવસમાં 5 વ્યક્તિનાં મોત થયા છે. તો 10 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે.

સુરેન્દ્રનગરમાં પણ સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં એક મહિલાનું સ્વાઇન ફ્લૂનાં કારણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. મહિલાની સારવાર અમદાવાદ હૉસ્પિટલમાં ચાલી રહી હતી. રાજ્યની હૉસ્પિટલોમાં અત્યારે 298 સ્વાઇન ફ્લૂનાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત આણંદ 5, સુરત 4, વડોજરા 3, ગાંધીનગર, કચ્છ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, નવસારીમાં 1-1 કેસ સામે આવ્યા છે.