વચગાળાનું બજેટ 2019: કોને શું અપેક્ષા છે?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનું વર્તમાન મુદતનું આ આખરી વર્ષ છે અને તે આવતીકાલે તેનું આખરી કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટને વચગાળાનું બજેટ ગણાવાયું છે, કારણ કે આ લોકસભા ચૂંટણીનું વર્ષ છે માટે.

ઈન્વેસ્ટરોને એવી આશા છે કે સરકાર કૃષિ જેવા ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધારશે, કારણ કે મે મહિનામાં નિર્ધારિત લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોને રીઝવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જરૂર પ્રયાસ કરશે.

નવી લોકસભા માટેની ચૂંટણી બાદ જે સરકાર સત્તા પર આવશે તે સંપૂર્ણસ્તરનું બજેટ રજૂ કરશે.

હંગામી નાણાં પ્રધાન પીયૂષ ગોયલ વચગાળાનું બજેટ સંસદમાં રજૂ કરશે. આ બજેટમાં કોઈ મસમોટી જાહેરાતો નહીં કરાય, પરંતુ સરકાર ખેતીવાડી ક્ષેત્ર માટે અમુક રાહતકારી પગલાં લઈને કિસાનો-ગ્રામિણ જનતાને તેમજ કરવેરામાં અમુક કાપ મૂકીને શહેરી વિસ્તારોનાં મધ્યમ વર્ગનાં મતદારોને આકર્ષિત કરવાનો પ્રયાસ જરૂર કરશે.

હિન્દીભાષી બેલ્ટમાં ત્રણ મહત્ત્વના રાજ્યોમાં વિધાનસભાની તાજેતરમાં થઈ ગયેલી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી હારને કારણે ભાજપ સરકાર મતદારોને રાજી કરવાના પ્રયાસો કરશે.

સરકાર આગામી નાણાકીય વર્ષ માટે આશરે 7.5 ટકાનો આર્થિક વિકાસ દર રજૂ કરે એવી ધારણા છે. તે ઉપરાંત રેલવે, મુખ્ય માર્ગો તથા બંદરગાહોના વિકાસ માટેના મૂડીખર્ચમાં 7-8 ટકાનો વધારો કરે એવી પણ ધારણા છે.

વચગાળાના બજેટમાં નીચે દર્શાવેલી બાબતો અંગે અમુક જાહેરાતો થાય એવી અપેક્ષા છેઃ

કૃષિ ક્ષેત્ર

– કૃષિ ક્ષેત્ર માટે રાહત પેકેજ 1 ટ્રિલિયન રૂપિયા (14.04 અબજ ડોલર) થઈ શકે છે

– નાણાકીય વર્ષમાં ફૂડ સબ્સિડી માટે 1.8 ટ્રિલિયન રૂપિયાની જોગવાઈ થઈ શકે છે

– અનાજની ખેતી માટેનો વીમો ઉતારવા માટેનું પ્રીમિયમ માફ કરાય એવી ધારણા છે

– જે કિસાનો એમની કૃષિવિયક લોનનાં સમયસર હપ્તા ચૂકવતા હોય એમને લોન પરનું વ્યાજ કદાચ માફ કરાશે

ડાઈવેસ્ટમેન્ટ

– વર્ષ 2019-20માં સ્ટેટ એસેટ્સ સેલ્સનો લક્ષ્યાંક આશરે 11 અબજ ડોલર

– ટેલિકમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા, ભારતીય રેલવેની પેટાકંપનીઓ IRCTC, રેલટેલ કોર્પ ઈન્ડિયા તેમજ નેશનલ સીડ્સ કોર્પોરેશન માટે આઈપીઓ મારફત હિસ્સાનું વેચાણ કરાય એવી શક્યતા

ધાતુ

– સોનામાં ડ્યૂટીમાં કાપ મૂકાય એવી અટકળો છે

– જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની માગણી છે કે ગોલ્ડ ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 4 ટકાનો કાપ મૂકવો જોઈએ.

– કટ અને પોલીશ્ડ હિરાઓ તેમજ કટ અને પોલીશ્ડ રત્નો પરનો વેરો ઘટાડીને અઢી ટકા કરવામાં આવે.

આરોગ્ય

– સ્વાસ્થ્ય ક્ષેત્ર માટેની બજેટ ફાળવણીમાં પાંચ ટકાનો વધારો કરાય એવી શક્યતા છે

કરવેરા

– કોર્પોરેટ ટેક્સના દર માળખામાં પાંચ ટકાનો ઘટાડો કરાય એવી શક્યતા છે, પરંતુ એના અમલને ચૂંટણી બાદ નવી સરકારના આગમન સુધી મુલતવી રખાય એવી શક્યતા રહેશે

– મધ્યમ વર્ગ અને લઘુ ઉદ્યોગો માટે કરમાફીમાં વધારાની શક્યતા છે

બેન્ક્સ

– જેમનું વાર્ષિક ટર્નઓવર પાંચ કરોડ રૂપિયાથી ઓછું હોય એવા ઉદ્યોગોને લોન પર બે ટકા પોઈન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. તે ખર્ચ માટે સરકાર બેન્કોને વળતર ચૂકવી દેશે

– જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓને આર્થિક રીતે સદ્ધર રાખવા માટે સરકાર 40 અબજ રૂપિયાની મૂડી આપે એવી ધારણા

ઓટોમોબાઈલ

– ઈલેક્ટ્રિક વાહનો અને બેટરીઝ ઉપરનો ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માં ઘટાડો થવાની શક્યતા

ઈન્ફોર્મેશન ટેક્નોલોજી/ટેલીકોમ

– ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરાશે

– એન્જેલ ટેક્સ નાબુદ કરાશે જેથી સ્ટાર્ટ-અપ્સમાં નવું જોમ આવશે

– સ્પેક્ટ્રમ અને લાઈસન્સ ફીની ચૂકવણીમાં જીએસટી માફ થઈ શકે છે. એવી જ રીતે, ટેલીકોમ સાધનસામગ્રી પરની ઈમ્પોર્ટ ડ્યૂટી, જે હાલ 20 ટકા છે, તેમાં ઘટાડો થઈ શકે છે