સુપ્રીમ સવાલઃ બંને બેઠકોની અલગઅલગ પેટાચૂંટણી કેમ? ધારદાર દલીલો…

અમદાવાદ/નવી દિલ્હી- ગુજરાતમાં રાજ્યસબાની બે બેઠકોની ચૂંટણીનો ગરમાવો હવે સુપ્રીમ કોર્ટ-ચૂંટણી પંચમાં પડપૂછ સુધી પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કરેલી સુનાવણીમાં ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પર અલગઅલગ ચૂંટણી કરવા માટે ચૂંટણીપંચના નિર્ણયને પડકારનાર પ્રદેશ કોંગ્રેસની અરજી પર બુધવારે ચૂંટણી પંચને 24 જૂન સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે. જજ દીપક ગુપ્તા અને જજ સૂર્યકાંતની બનેલી પીઠે આ મામલાની સુનાવણી માટે 25 જૂનની તારીખ નક્કી કરી છે, અને કહ્યું છે કે આ મુદ્દા પર સુનાવણી જરૂરી છે.

જજોની પીઠે કહ્યું હતું કે આ એવો મુદ્દો નથી કે જેની ચૂંટણી અરજીના માધ્યમથી ઉઠાવી શકાય. એટલા માટે તેની સુનાવણી જરૂરી છે. ગુજરાત કોંગ્રેસ તરફથી રજૂ થયેલ વરિષ્ઠ પ્રવકતા વિવેક તન્ખાએ કહ્યું હતું કે દિલ્હી કોર્ટના કેટલાક ચુકાદા તેમના પક્ષમાં છે. તેના પર પીઠે કહ્યું હતું કે અમે હાલ કશુ કહી રહ્યાં નથી. અમારે એ નક્કી કરવાનું છે કે આ આકસ્મિક ખાલી સ્થાન છે કે વૈધાનિક ખાલી સ્થાન છે.

ચૂંટણી પંચના નિર્ણયને પડકાર આપતા ગુજરાતના અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અત્રે નોંધનીય છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાનીએ ગાંધીનગર અને અમેઠી બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા છે, અને તેમણે ગુજરાતમાં રાજ્યસભાના સાસંદ તરીકે રાજીનામું આપ્યું હતું, અને આ બે બેઠકો ખાલી પડી છે.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યસભા સહિત તમામ સદનો માટે પેટા ચૂંટણી માટે ખાલી સ્થળોને અલગ ખાલી સ્થાન ગણાય છે. અને તેના માટે અલગઅલગ જાહેરનામુ પ્રસિધ્ધ થાય છે. અને ચૂંટણી પણ અલગ જ થાય છે. જો કે તેનો કાર્યક્રમ પણ એક જ હોય છે. આ બેઠકોની ચૂંટણી 5 જુલાઈએ યોજાવાની છે. પરેશ ધાનાણીએ પોતાની અરજીમાં ચૂંટણી પંચના ચૂંટણી કરવાના નિર્ણયને અસંવૈધાનિક, મનમાનીવાળો અને ગેરકાયદે ગણાવ્યો છે. અને તેને રદ કરવા અનુરોધ કર્યો છે. અરજીમાં કહેવાયું છે કે ચૂંટણી પંચનો આ આદેશથી બંધારણના અનુચ્છેદ 14નું હનન થાય છે.

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 100 બેઠકો ભાજપ પાસે અને વિપક્ષ પાસે 75 બેઠકો છે. જ્યારે સાત બેઠકો ખાલી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ ચૂંટણી પંચના કાર્યાલય તરીકે પોતાનો રાજનીતિક પ્રચાર કરવા માટે ઉપયોગ કરે છે. કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણી પંચની કાર્યવાહી સંપૂર્ણપણે દુરાગ્રહવાળી છે. કોંગ્રેસે ગુજરાતની બે બેઠકોની ચૂંટણી એક સાથે કરવા માટે માગ કરી હતી. કારણ કે અલગઅલગ ચૂંટણી થાય તો સત્તામાં રહેલ ભાજપ બંને બેઠકો જીતી જશે.