ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરે (IITGNએ) 11મા દીક્ષાંત સમારંભમાં કુલ 397 વિદ્યાર્થીઓને ડિગ્રી આપી હતી. સંસ્થાએ 179 બીટેક વિદ્યાર્થીઓને, ચાર ડ્યુઅલ મેજર બીટેક વિદ્યાર્થીઓને,1 બીટેક-એમટેક ડ્યુઅલ ડિગ્રી વિદ્યાર્થીને, ત્રણ બીએસસી એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને, 43 એમટેક વિદ્યાર્થીઓને, 105 એમએસસી વિદ્યાર્થીઓને 20 એમએ વિદ્યાર્થીઓને, 39 પીએચજી વિદ્યાર્થીને અને ત્રણ PGDIIT વિદ્યાર્થીઓને ડિગ્રી આપી હતી. આ વર્ષે સંસ્થાએ વિવિધ શ્રેણી જેવી કે શિક્ષણ, સંશોધન, ઇનોવેશન, સામાજિક સેવા, સ્પોર્ટ્સ, આર્ટ અને કલ્ચરમાં ને 50 મેડલ આપવામાં આવ્યા હતા, જેમાં 33 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા. આ વર્ષે 12 વિદ્યાર્થીઓએ આઠ સેમિસ્ટરની તુલનાએ ઓછા સેમિસ્ટરમાં તેમનો અભ્યાસક્રમ પૂરો કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક સલાહકાર ડો. કૃષ્ણાસ્વામી વિજય રાઘવન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વિશ્વના ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણના બદલાવ અને કોરોના રોગચાળા જેવા પડકારોને પહોંચી વળવા માટેના ઉપાયો શોધવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિની પહેલાં IITGNના ડિરેક્ટર પ્રોફેસર અમિત પ્રશાંતે સ્નાતક વિદ્યાર્થીઓને અને મેડલવિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર બાદ તેમણે સંસ્થાની કામગીરીની સંક્ષિપ્ત રૂપરેખા આપી હતી. સંસ્થા દ્વારા મંજૂર કરવામાં આવેલી ફેકલ્ટી સ્ટાર્ટઅપ નીતિ વિશે તેમણે કહ્યું હતું કે IITGNએ હંમેશાં વિદ્યાર્થીઓને સંશોધન અને સાહસ માટે એક સારું વાતાવરણ આપ્યું છે અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપ્યું છે. આ આખો કાર્યક્રમ IITGNની યુટ્યુબ ચેનલ પર જોઈ શકાશે.
પ્લેસમેન્ટ અને હાયર સ્ટડી
આ વર્ષે IITGN કેમ્પસમાં રિક્રુટમેન્ટમાં કુલ 331 કંપનીઓએ ભાગ લીધો હતો. આ વર્ષે પ્લેસમેન્ટની માગ કરનારા બીટેક વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 92 ટકા હતી, જેમને વિવિધ ક્ષેત્રો જેવા કે સોફ્ટવેર-IT, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી, રિસર્ચ, મેનેજમેન્ટ, ફાઇનાન્સ, કન્સલ્ટિંગ અને એડટેક અને અન્ય ક્ષેત્રોમાં નોકરીઓ મળી હતી.