શહેરમાં ઠેર-ઠેર ભૂવા પડવાનો સિલસિલો સતત ચાલુ

અમદાવાદઃ ચોમાસાની ઋતુ હોય કે અન્ય મોસમ શહેરમાં નાના-મોટા ભૂવા પડવાનો સિલસિલો સતત ચાલુ જ હોય છે. આ વર્ષે ચોમાસાની ઋતુની શરૂઆતથી જ ઠેર-ઠેર ગાબડાં પડી ગયાં છે અને મોટા ભૂવા પડ્યા હોય એવા સમાચાર પણ સામે આવવાના શરૂ થઈ ગયા છે. શહેરમાં અત્યાર સુધીમાં ૫૫થી વધુ જગ્યાએ નાના-મોટા ભૂવા પડી ચૂક્યા છે.

ગુરુવારના દિવસમાં પશ્ચિમ અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા વિજય ચાર રસ્તા પર એક વધુ ભૂવો જોવા મળ્યો. જ્યારે નવા વાડજ અખબાર નગર સર્કલની એકદમ નજીક માર્ગની વચ્ચે એક ભૂવો જોવા મળ્યો હતો. પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારના આ બે ભૂવાનું સમારકામ અને પુરાણ થાય એ પહેલાં કોઈ ગરકાવ ના થાય એ માટે એ વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યા હતા. પતરાં લગાડી ખાડાને પૂરવાની કામગીરી અને સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

શહેરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની શહેરની પ્રજા વરસોથી સમસ્યા ભોગવી રહી છે. પણ તંત્રની બેદરકારી અને ભૌગોલિક પરિસ્થિતિને કારણે રોડ વચ્ચે જ અચાનક પડતા મોટા ભૂવા એ વાહનચાલકો અને રાહદારીઓ માટે ચિંતાનો વિષય છે. નવા વાડજ, વિજય ચાર રસ્તા, ગુજરાત કોલેજ, વસ્ત્રાલ જેવા પશ્ચિમ અને પૂર્વ અમદાવાદમાં અચાનક જ પડેલા ભૂવાની આસપાસ પતરાં અને બેરિકેડ લગાડી મનપાએ પુરજોશમાં સમારકામ હાથ ધર્યું છે.

શહેરમાં દર વર્ષે ભૂવા પડે જ છે, પણ આ બાબતે તંત્ર કોઈ નક્કર કામગીરી કરીને ભૂવા ના પડે એવી રીતે કામ કરે તો સારું.

 (પ્રજ્ઞેશ વ્યાસ)