ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી- ગાંધીનગરના સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગે તાજેતરમાં એપીજે અબ્દુલ કલામ ટેકનોલોજિકલ યુનિવર્સિટી, જે કેરળ ટેકનોલોજિકલ યુનિવર્સિટી તરીકે પણ ઓળખાય છે, તેની સાથે સંકળાયેલી આશરે 150 એન્જિનિયરિંગ કોલેજોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે “ધ જોય ઓફ એન્જિનિયરિંગ” પર બે ઓનલાઇન સત્રો યોજ્યાં હતાં. 30 નવેમ્બર અને 2 ડિસેમ્બર, 2020એ હાથ ધરવામાં આવેલા લગભગ દોઢ કલાકનાં બંને સત્રો, યુનિવર્સિટીની નવી એન્જિનિયરિંગ બેચની ઇન્ડક્શન તાલીમના ભાગરૂપે યોજવામાં આવ્યાં હતાં.
આ હેન્ડ્સ-ઓન સત્રોનો હેતુ અલ્ગોરિધમિક અને જટિલ વિચારસરણી, સમસ્યા-નિરાકરણ, અને એન્જિનિયરિંગ શિક્ષણ પ્રત્યે સંશોધન અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરીને, એન્જિનિયરિંગ વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનો હતો. સત્રો દરમિયાન સીસીએલની ટીમે ચર્ચા કરેલા વિષયોમાં એનિગ્મા મશીનને પાયામાંથી સમજવું અને બનાવવું, માત્ર પાટા જોઈને કમ્પ્યુટેશનલી સાયકલની દિશા શોધી કાઢવી, મશીનની વાસ્તવિક વ્યાખ્યા, સિલિન્ડર અને વર્તુળની સરખામણી, આર્કિમિડીઝની વાત, કોમ્બિનોટ્રિક્સ અને અન્ય રસપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
70 હજારથી વધુ ઓનલાઇન વ્યુઝ
આ સત્રોને અત્યાર સુધીમાં 70 હજારથી વધુ ઓનલાઇન વ્યુઝ મળ્યા છે, આ ઇન્ડક્શન સત્રો પર પોતાના વિચારો શેર કરતાં આઇઆઇટી ગાંધીનગરના સહયોગી અધ્યાપક પ્રોફેસર મનીષ જૈને કહ્યું હતું કે કેરળ રાજ્યના 65,૦૦૦ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનો અનુભવ અદભુત હતો. ઓનલાઇન શિક્ષણથી દેશભરના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સાથે જોડાવાની આ અનોખી તક મળી છે. આ ત્રણ કલાકમાં, અમે એ જણાવવાની કોશિશ કરી છે કે એન્જિનિયરિંગ શું કરી શકે અને તે શું હોવું જોઈએ. આશા છે કે અમે આપણા ભાવિ ઇજનેરોના દિમાગ અને દિલને પ્રજ્વલિત કરવામાં સમર્થ થઈશું જેઓ દેશને નવી ઊંચાઈ પર લઈ જશે. સીસીએલના સત્રોને ભાગ લેનારા વિદ્યાર્થીઓ તરફથી ખૂબ પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો.
