અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની હલચલ તેજ થઈ ગઈ છે. એક બાજુ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાત લઈને મતદારોને લલચામણી ઓફર આપી રહ્યા છે, ત્યારે ભાજપમાં પણ રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાતમાં વધારો થઈ રહ્યો છે, જ્યારે કોંગ્રેસે હજી ચૂંટણી માટે આળસ મરડી નથી એવું લાગે છે. કોંગ્રેસ માટે સૌરાષ્ટ્રમાંથી પ્રતિકૂળ સમાચારો વહેતા થયા છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ છ ધારાસભ્યો પક્ષમાંથી રાજીનામાં આપે એવી શક્યતા છે. કોંગ્રેસના છ ધારાસભ્યો અંબરીશ ડેર, ચિરાગ કાલગરિયા, લલિત વસોયા, વિમલ ચુડાસમા, બાબુભાઈ વાજા, હર્ષદ રીબડિયા પક્ષની કામગીરી કે અનેય કારણોસર નારાજ છે અને તેઓ ગમેત્યારે પક્ષમાંથી રાજીનામાં ધરીને ભાજપમાં જાય એવી વકી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનપદેથી સહદેવસિંહે રાજીનામું આપ્યું છે. રાજકોટની જિલ્લા પંચાયતમાં છાસવારે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જોકે પ્રાપ્ત માહિતી મુજબ પ્રમુખે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. બીજી બાજુ જુલાઈમાં કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ, પોરબંદરના સાંસદ રમેશ ધડુકની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા. જેના ફોટો સોશિયલ મિડિયામાં વાઇરલ થયા હતા.
આ અંગે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી રામકિશન ઓઝાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની વિચારધારાવાળા ભાજપમાં નહીં જાય. છ વિધાનસભ્યોની વાત હશે તો અમે તેમની સાથે ચર્ચા-વિચારણા કરીશું. તેમની મુશ્કેલીઓ દૂર કરવા પ્રયાસ કરીશું.