રાજ્યમાં શ્રીકાર વર્ષાઃ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની સીઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.  બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં વરસાદ જામ્યો છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બે દિવસમાં સારો વરસાદ પડયો છે. લો-પ્રેશરની અસર વધવાને કારણે વરસાદનું પ્રમાણ હજુ પણ વધશે. ગુજરાત પર 31 ઓગસ્ટએ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે.

રાજ્યમાં ચાલુ સીઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 45.85 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ પંથકમાં 32.96 ટકા, ઉત્તર ગુજરાતમાં 36.15 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 42.48 ટકા, સૌરાષ્ટ્રમાં 40.67 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.47 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યના 141 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગીર-સોમનાથ જિલ્લાના છ તાલુકાઓમાં સાંબેલધાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. જયારે નદી-નાળાઓમાં નવાં નીર વહેતાં થતાં ઘોડાપૂર જેવી સ્‍થ‍િતિ ઊભી થઈ છે. ભારે વરસાદના કારણે ગીર પંથકની હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ.  જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ માંગરોળમાં નવ ઇંચ, માળિયાહાટિનામાં 6.5 ઇંચ વરસાદ વરસ્‍યો છે, જ્યારે બાકીના સાત તાલુકામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે. જેને કારણે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.