30-લાખ ભારતીય વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુકાયો

મુંબઈઃ લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ (સેવા) વોટ્સએપે 45 દિવસના સમયગાળામાં 30 લાખ કરતાં પણ વધારે ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સોશિયલ મિડિયા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની ફેસબુકની માલિકીની મેસેજિંગ સર્વિસ વોટ્સએપના કમ્પ્લાયન્સ (સંમતિ) અહેવાલમાં જણાવાયું છે કે આ વર્ષના જૂન-જુલાઈ મહિનાઓમાં તેને 594 ફરિયાદો મળી હતી, જેમાં જુદા જુદા પ્રકારની ચિંતા દર્શાવીને અસંખ્ય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરવામાં આવી હતી. એને આધારે જ આ પગલું ભરવામાં આવ્યું હતું. વિશ્વસ્તરે એક મહિનામાં સરેરાશ 80 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

ગયા જૂન-જુલાઈમાં ભારતમાં કુલ 30,27,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકાયો હતો. તે એકાઉન્ટ્સ દ્વારા ઓટોમેટેડ સંદેશાઓનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરાતો હતો. તદુપરાંત તેમણે સુરક્ષાને લગતી બાબતો પણ ઊભી કરી હતી. મોટા ભાગના એકાઉન્ટ્સ દ્વારા ઓટોમેટેડ અથવા બલ્ક મેસેજિંગનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરાતો હતો, પરિણામે એ સ્પેમમાં પરિવર્તિત થતા હતા. ભારતે આ જ વર્ષથી લાગુ કરેલા નવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો અનુસાર ભારતમાં સક્રિય સોશિયલ મિડિયા ઈન્ટરમીડિયારિઝ કંપનીઓએ એમનો કમ્પ્લાયન્સ અહેવાલ પ્રકાશિત કરવાનું ફરજિયાત છે. વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું છે કે અમે હાનિકારક પ્રવૃત્તિને રોકવા માટે સતત સતર્ક રહીએ છીએ.