શું ગાર્લિક-બ્રેડમાં લસણ હોય છે?: FSSAIએ પ્રસ્તાવ મોકલ્યો

નવી દિલ્હીઃ ગાર્લિક બ્રેડમાં કેટલું ગાર્લિક (લસણ) છે, એ ટૂંક સમયમાં માલૂમ પડશે, કેમ કે બજારમાં વેચાતા વિશેષ પ્રકારના બ્રેડ્સ મોદી સરકારની તપાસના રડારમાં છે. પછી એ ગાર્લિક બ્રેડ હોય કે મલ્ટિ ગ્રેન અથવા સંપૂર્ણ રીતે ઘઉંમાંથી બનેલા બ્રેડ- કેન્દ્ર સરકારની યોજના બ્રેડ ઉત્પાદક ઉદ્યોગને રેગ્યુલેટ કરવાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલના સમયમાં બ્રેડ ઉત્પાદિત કંપનીઓ માટે કોઈ માપદંડ નક્કી નથી. FSSAI દ્વારા આરોગ્ય મંત્રાલયને મોકલેલા રેગ્યુલેશન ડ્રાફ્ટ મુજબ પાંચ પ્રકારના બ્રેડ રેગ્યુલેટ કરવામાં આવશે.

ડ્રાફ્ટ રેગ્યુલેશન મુજબ આરોગ્ય મંત્રાલય પાસે પાંચ પ્રકારના બ્રેડ્સને રેગ્યુલેટ કરવા માટે મંજૂરી આપવા માગ કરવામાં આવી છે. એમાં સંપૂર્ણ રીતે ઘઉંમાંથી બનેલા બ્રેડ, બ્રાઉન બ્રેડ, વાઇટ બ્રેડ, મલ્ટિગ્રેન બ્રેડ અને અન્ય 14 પ્રકારના વિશેષ બ્રેડને રેગ્યુલેટ કરવા માટે મંજૂરી માગી છે. આ બ્રેડ્સમાં ગાર્લિક બ્રેડ, એગ બ્રેડ, ઓટમીલ બ્રેડ, મિલ્ક બ્રેડ અને ચીઝ બ્રેડ પણ સામેલ છે.

અમે આ પગલું ઉપભોક્તા દ્વારા સ્પેશિયલ બ્રેડ્સ ખરીદવા પર બહુ વધુ રકમ ખર્ચ કરવાને લીધે ઉઠાવ્યું છે. ગ્રાહકોને એ માલૂમ નથી કે જે સ્પેશિયલ બ્રેડ્સ ખરીદી રહ્યા છે, એમાં કેટલું ગાર્લિક છે?  એક ટુકડો છે કે બિલકુલ નથી? એમ એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું.

જો પ્રસ્તાવને કેન્દ્ર દ્વારા બ્રેડ રેગ્યુલેશનની મજૂરી મળશે તો બ્રેડ ઉત્પાદકોએ હવે ગાર્લિક બ્રેડમાં ગાર્લિક સામેલ કરવું પડશે. ગાર્લિક બ્રેડમાં બે ટકા ગાર્લિક રાખવું ફરજિયાત પડશે અથવા બ્રાઉન બ્રેડમાં અનાજનો હિસ્સો 50 ટકા હોવો જોઈએ. મંત્રાલય દ્વારા મંજૂરી મળ્યા પછી ડ્રાફ્ટને જનતાના અભિપ્રાય માટે મૂકવામાં આવશે. એ પછી નોટિફિકેશન જારી થશે.