RBIએ એક્સિસ બેન્ક પર રૂ. 25 લાખનો દંડ ફટકાર્યો

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે એક્સિસ બેન્કે પર રૂ. 25 લાખનો દંડ ફટકાર્યો છે. એક્સિસ બેન્કે Know Your Customer (KYC), 2016ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને એને કારણે એ દંડ લગાડવામાં આવ્યો છે, એમ રિઝર્વ બેન્કે કહ્યું હતું.

રિઝર્વ બેન્કે કહ્યું હતું કે ફેબ્રુઆરી અને માર્ચ, 2020માં એક્સિસ બેન્કના એક ગ્રાહકના ખાતાની તપાસ કરવામાં આવી હતી. એ તપાસમાં માલૂમ પડ્યું હતું કે એક્સિસ બેન્ક રિઝર્વ બેન્કના KYCને લઈને જારી નિર્દેશ, 2016માં સામેલ જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી. એનો અર્થ થયો હતો કે એક્સિસ બેન્ક ગ્રાહકોનાં ખાતાનું ડ્યુ ડિલિજન્સ નહીં કરી શકી અને બેન્ક ગ્રાહકોના વ્યવસાય અને રિસ્ક પ્રોફાઇલને ન જાણી શકી.

આ તપાસ પછી RBIએ આ સંદર્ભે બેન્કને નોટિસ ફટકારી હતી. આ નોટિસનો જવાબ અને મૌખિક સ્પષ્ટીકરણ પર વિચાર કર્યા પછી દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રિઝર્વ બેન્કે કહ્યું હતું કે આ દંડથી બેન્કના ટ્રાન્ઝેક્શનની કોઈ અસર નહીં થાય.

આ પહેલાં જુલાઈમાં RBIએ એક્સિસ બેન્ક પર રૂ. પાંચ કરોડનો દંડ ફટકાર્યો હતો. બેન્કે આપેલા નિર્દેશોની કેટલીક જોગવાઈઓના ઉલ્લંઘન માટે એક્સિસ બેન્ક પર એ કાર્યવાહી થઈ હતી. એક્સિસ બેન્ક પર રિઝર્વ બેન્કે જે નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે, એમાં કોર્પોરેટ ગ્રાહકના રૂપમાં પ્રાયોજક બેન્કો અને SCB/UCBની વચ્ચે ચુકવણી તંત્રના નિયંત્રણને મજબૂત કરવાનું છે. બેન્કોમાં સાઇબર સુરક્ષા માળખા અને રિઝર્વ બેન્ક નિર્દેશ, 2016 સામેલ છે.