‘મેક ઈન ઈન્ડિયા’નો તરખાટઃ લોકોમોટિવ્સનું રેકોર્ડ-ઉત્પાદન થયું

કોલકાતાઃ ભારતમાં ઈલેક્ટ્રિક લોકોમોટિવ્સ (ટ્રેન એન્જિન)નું સૌથી વધારે ઉત્પાદન પશ્ચિમ બંગાળસ્થિત ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ (CLW) કંપનીમાં થાય છે. આ કંપની ભારતીય રેલવેની લોકોમોટિવ મેન્યૂફેક્ચરિંગ ફેક્ટરી છે અને અહીં સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજી વડે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ના સંકલ્પ અંતર્ગત લોકોમોટિવ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. તેણે લોકોમોટિવ્સ ઉત્પાદનમાં પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કોરોનાવાઈરસ રોગચાળાએ સર્જેલા પડકારો છતાં આ ફેક્ટરીમાં લોકોમોટિવ્સનું વિક્રમસર્જક ઉત્પાદન થયું છે. ગયા ઓગસ્ટ મહિનામાં આ ફેક્ટરીમાં 46 લોકોમોટિવ્સ બનાવવામાં આવ્યા હતા. આ પહેલાં કોઈ પણ વર્ષના ઓગસ્ટ મહિનામાં આ ફેક્ટરીમાં આટલા બધા લોકોમોટિવ્સ બનાવી શકાયા નહોતા. ભારતીય રેલવે તથા રેલવે બોર્ડના સભ્યોએ આ સિદ્ધિ માટે CLWના સમગ્ર સ્ટાફને અભિનંદન આપ્યા છે.

2020-21 વર્ષમાં એપ્રિલ અને મે સંપૂર્ણ લોકડાઉનના મહિના હતા. ત્યારબાદ થોડીક છૂટછાટો વચ્ચે ઉત્પાદન શરૂ કરી શકાયું હતું. વર્ષ 2018-19માં આ ફેક્ટરીમાં 217 દિવસોમાં 250 લોકોમોટિવ્સનું ઉત્પાદન કરાયું હતું. 2019-20માં 190 દિવસમાં 250 અને 2020-21માં 188 દિવસોમાં 250 લોકોમોટિવ્સનું ઉત્પાદન કરાયું છે.

(તસવીર સૌજન્યઃ ભારતીય રેલવે ટ્વિટર)